તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વાયુ બંધ | બજારો ખુલી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અરબી સમુદ્રમાં ઉઠેલું ‘વાયુ’ વાવાઝોડું પોરબંદર પર ત્રાટકે તેવી હવામાન ખાતાની આગાહી બાદ પોરબંદરનું જનજીવન ડામાડોળ થઈ ગયું હતું, લોકો વાવાઝોડાથી બચવા અનેકોઅનેક પ્રયત્નો કરી રહ્યા હતા તો તંત્ર પણ ઊંધા માથે વાવાઝોડા સામે બાથ ભીડવા મચી પડ્યું હતું. પરંતુ અંતે કુદરતે લાજ રાખી લેતા આ ‘વાયુ’ વાવાઝોડું પોરબંદર પર ત્રાટકે તે પહેલા ગઈકાલે તેની દિશા ફંટાઈ જતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો અને આજે સવારથી તો ફરી પોરબંદરમાં જનજીવન ધબકી ઉઠ્યું હતું.

પોરબંદરમાં ગઈકાલે સવારથી જ ‘વાયુ’ વાવાઝોડું ત્રાટકશે તો શું થશે ? તેની ચિંતામાં ઘાંઘા થઈ ગયેલા પોરબંદરવાસીઓને ગઈકાલે સાંજે વાવાઝોડાએ દિશા બદલી નાખી હોવાના સમાચારો મળતા જ નિરાંતનો શ્વાસ મળી ગયો હતો અને ધીમી ધારે વરસતા વરસાદ વચ્ચે લોકોએ રાત્રીના ચેનની મીઠી નીંદ માણી હતી. આજે સવારે કુદરતનો પાડ માની ઉઠેલા પોરબંદરના લોકો ફરી રાબેતા મુજબના જીવનમાં વ્યસ્ત થઈ ગયા હતા. ગઈકાલે બંધ રહેલી પોરબંદરની બજારો ખૂલી ગઈ હતી તો બંધ કરી દેવાયેલી શાળાઓ પણ આવતીકાલથી ખૂલી જશે. લોકો બજારોમાં ખરીદી કરતા અને વેપારીઓ વેપાર કરતા નજરે ચડ્યા હતા. કર્મચારીઓ ઓફિસમાં પહોંચી કામ પર વળગ્યા હતા અને જીવનના એક નવા આયામની શુભ શરૂઆત થઈ હતી.

અન્ય સમાચારો પણ છે...