Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
માલધારી સમાજનું રસ્તા રોકો આંદોલન, ચક્કાજામ થતાં 50 કાર્યકરોની અટકાયત
પોરબંદરમાં માલધારી સમાજના લોકોએ એલ આર ડી મુદ્દે રસ્તા રોકો આંદોલન કર્યું હતું. માર્ગ પર ચક્કાજામ કરતા પોલીસ ઘટના સ્થળે દોડી ગઇ હતી. પોલીસે 50 જેટલા કાર્યકરોની અટકાયત કરી કાર્યવાહી હાથ ધરી હતી.
પોરબંદરમાં સેવા સદન કચેરી સામે છેલ્લા ઘણા લાંબા સમયથી રબારી, ચારણ અને ભરવાડ સમાજ દ્વારા લોકરક્ષક દળની પરીક્ષામાં પરીક્ષાર્થીઓને થયેલ અન્યાય વિરુદ્ધ આંદોલન ચલાવવામાં આવી રહ્યું છે. અને આ ઉપવાસ આંદોલનમાં અવારનવાર અગ્રણીઓની તબિયત લથડતી હોય તેઓને સારવાર આપવાની ફરજ પડી રહી છે. અને માલધારી સમાજ દ્વારા દિવસેને દિવસે આંદોલનને ઉગ્ર બનાવવામાં આવી રહ્યું હોવા છતાં પણ સરકાર દ્વારા માલધારી સમાજના પ્રશ્નોનું નિરાકરણ કરવામાં આવ્યું નથી. હજારોની સંખ્યામાં મહિલાઓએ પણ રેલી યોજી ઉગ્ર રજૂઆત કરી હતી.
છેલ્લા ઘણા લાંબા સમયથી ચાલી રહેલ ઉપવાસ આંદોલનનો હજુ સુધી અંત આવ્યો નથી. ત્યારે રોષે ભરાયેલ માલધારી સમાજના આગેવાનોએ કલેકટર કચેરી નજીક રસ્તા રોકો આંદોલન કર્યુ હતું.
રોષે ભરાયેલ માલધારી સમાજના લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. અને રસ્તો ચક્કાજામ કરી દીધો હતો. ઘટનાસ્થળ પર પોલીસ સ્ટાફ આવી પહોંચ્યો હતો. અને 50થી વધુ લોકોની પોલીસે અટકાયત કરી હતી.