તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આચારસંહિતા ભંગ સહિતની 10 ફરિયાદ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદર લોકસભાની બેઠક પર સોમવારના દિવસે ઉમેદવારીપત્ર 1 ઉમેદવારે પરત ખેંચ્યું છે ત્યારે ભાજપ, કોંગ્રેસ અને અપક્ષ સહિત 17 ઉમેદવારોએ ચૂંટણી જંગ જીતવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. લોકસભાની ચૂંટણી દરમિયાન આચારસંહિતાનો ભંગ ન થાય તે માટે ચૂંટણીતંત્ર દ્વારા પણ બાજનજર રાખવામાં આવી રહી છે અને 1950 હેલ્પલાઈન શરૂ કરવામાં આવી છે. આ હેલ્પલાઈન નંબર ઉપર અત્યારસુધીમાં 5 ફરિયાદો મળી છે. જ્યારે રૂબરૂમાં પણ 5 ફરિયાદો મળી છે. આચારસંહિતાનું ઉલ્લંઘન થતું હોવાની ફરિયાદ તંત્રને મળતા જ તંત્રએ પણ આચારસંહિતાની અમલવારી ચુસ્તપણે થાય તે માટે કડક કાર્યવાહી હાથ ધરી દીધી છે. હેલ્પલાઈન નંબર ઉપર એવી પણ 2 ફરિયાદ આવી હતી કે ચૂંટણી તંત્રના ઓફિસરોનો સંપર્ક થઈ શકતો નથી, જેથી અધિકારીઓએ આ સમસ્યાનું નિરાકરણ કરીને ઓફિસરોનો ફરિયાદીને સંપર્ક કરાવ્યો હતો. તેમજ પોરબંદરમાં કથા દરમિયાન આચારસંહિતાનો ભંગ થયો હોવાની ભનુભાઈ ઓડેદરા તથા પ્રફુલ દત્તાણીએ ફરિયાદ કરી હતી તેમજ ભાર્ગવ જોષીએ લેખિતમાં ફરિયાદ કરી હતી. આ ઉપરાંત નટવરનગરમાં આંગણવાડીમાં રાજકીય પક્ષો પ્રચાર કરતા હતા તેવી ફરિયાદ મળતા અધિકારીઓએ તપાસ કરતા આ વિગત ખોટી નીકળી હતી. આરોગ્ય વિભાગની એજન્સી દ્વારા લોઢીયા હોલ ખાતે માં કાર્ડ નું વિતરણ કરવામાં આવતું હોય તેવી ટેલીફોન દ્વારા ફરિયાદ મળી હતી, જેથી અધિકારીઓએ તાત્કાલીક આ કામ બંધ કરાવી દીધું હતું. આ ઉપરાંત નગરપાલિકા દ્વારા અમુક જગ્યાએ ઓછું અને અમુક જગ્યાએ વધુ પાણીનું વિતરણ થઈ રહ્યું છે તેવી પણ આચારસંહિતાના ભંગની ફરિયાદ મળતા તે અંગે અધિકારીઓએ તપાસ હાથ ધરી છે. ચોપાટી ખાતે યોજાયેલ કથામાં રાત્રે 10 વાગ્યા બાદ પણ માઈક ચાલું રખાતું હોવાની ફરિયાદ થઈ હતી. વાડીપ્લોટમાં રસ્તાનું કામ ચાલુ હોવાથી આચારસંહિતાનો ભંગ થતો હોવાની ફરિયાદ આવતા અધિકારીઓએ તાત્કાલીક તપાસ કરતા આ ફરિયાદનું પણ નિરાકરણ કરવામાં આવ્યું હતું કારણ કે રસ્તા માટેનો વર્કઓર્ડર મંજુર થઈ ગયો હોવાથી રસ્તાનું કામ ચાલુ હતું. ચોપાટી પર ચાલતી કથા દરમિયાન થયેલ આચારસંહિતાના ભંગની 3 ફરિયાદ થતા તે અંગે રીપોર્ટ આજે ફાઈનલ થશે.

અન્ય સમાચારો પણ છે...