પોરબંદર: પોરબંદર નગરપાલિકા દ્વારા ઉનાળાના કાળઝાળ તડકાઓમાં પણ લોકોને જરૂરીયાત કરતા એકાંતરે 6 એમ.એલ.ડી. પાણી ઓછું આપવામાં આવી રહ્યું હોવાને કારણે નગરજનોને પીવાનું પાણી મેળવવા માટે ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. પોરબંદરમાં ઉનાળાના કાળઝાળ તડકાઓમાં નગરજનોને પીવાનું પાણી મેળવવા માટે વલખા મારવા પડી રહ્યા છે. શહેરના વિવિધ વિસ્તારોમાં પૂરતા પ્રમાણમાં પીવાનું પાણી ન અપાતું હોવાથી લોકો મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે.
નગરજનોને પૂરતા પ્રમાણમાં પીવાનું પાણી ન મળતું હોવાની પાલિકામાં અનેકવખત રજૂઆતો પણ કરવામાં આવી રહી છે. નગરપાલિકા દ્વારા 22 એમ.એલ.ડી. ની જરૂરીયાત સામે એકાંતરે માત્ર 16 એમ.એલ.ડી. પાણીનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. આમ પાલિકા લોકોની જરૂરીયાત કરતા 6 એમ.એલ.ડી. પીવાનું પાણી ઓછું આપી રહી હોવાથી ઉનાળાના કાળઝાળ તડકામાં પીવાનું પાણી મેળવવા માટે લોકો હાલાકીનો સામનો કરી રહ્યા છે. પાલિકાના ઘણાં વિસ્તારોમાં નગરજનોને પીવાનું પાણી વેચાતું લેવાની નોબત આવી રહી છે જેથી જવાબદાર તંત્ર દ્વારા નગરજનોને પૂરતા પ્રમાણમાં પીવાનું પાણી મળી રહે તેવી માંગ ઉઠવા પામી હતી.
ક્યા વિસ્તારમાં પીવાનું પાણી ન મળતું હોવાની ફરિયાદો ઉઠી ?
પોરબંદર શહેરના ખાપટ, સુભાષનગર, ઈન્દીરાનગર, બોખીરા વગેરે વિસ્તારોમાં નગરજનોને પૂરતા પ્રમાણમાં પીવાનું પાણી ન મળતું હોવાની વારંવાર ફરિયાદો ઉઠી રહી છે. આ વિસ્તારોમાં પીવાનું પાણી પૂરતા પ્રમાણમાં ન અપાતું હોવાથી પીવાનું પાણી મેળવવા માટે મહિલાઓને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.
10 કલાકનાં બદલે માત્ર 3 કલાક નર્મદાનું પાણીનું વિતરણ
જવાબદાર તંત્ર દ્વારા નર્મદાની પાઈપલાઈન મારફત પોરબંદરને 10 કલાકની જગ્યાએ માત્ર 3 જ કલાક પીવાનું પાણી આપવામાં આવી રહ્યું છે. જો 10 કલાક સુધી નર્મદાનું પાણી આપવામાં આવે તો નગરજનોની પાણીની સમસ્યાનું નિરાકરણ થઈ શકે અને 22 એમ.એલ.ડી. ની જરૂરીયાતને પહોંચી વળાય તેવું પાલિકા દ્વારા જણાવવામાં આવ્યું છે.
નર્મદાની લાઈન મારફત પૂરતા પ્રમાણમાં પાણી ન અપાતું હોવાથી નગરજનોને વેઠવી પડે છે હાલાકી
પોરબંદર શહેરના વિવિધ વિસ્તારોમાં પાલિકા દ્વારા પૂરતા પ્રમાણમાં પાણીનું વિતરણ ન કરવામાં આવતું હોવાની વારંવાર ફરિયાદો ઉઠી છે. આ બાબતે પાલિકાના જણાવ્યા મુજબ નર્મદાનું પાણી પાઈપલાઈન મારફત 7 કલાક ઓછો સમય આપવામાં આવતું હોવાથી નગરજનોને પૂરતા પ્રમાણમાં પાણી મળી શકતું નથી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.