65 વર્ષના વૃદ્ધે અડધું જીવન સમર્પિત કર્યું સેવાકીય કાર્યોમાં

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

પોરબંદર: પોરબંદરના ઝુંડાળામાં રહેતા એક વૃદ્ધ ચોપાટી ખાતે છેલ્લા 34 વર્ષથી ગાયોને પાણી અને ઘાસચારો સેવાભાવીઓ દ્વારા નખાઈ રહ્યો છે તેની યોગ્ય વ્યવસ્થા અને પક્ષીઓ સુરક્ષીત રીતે ચણ ચણી શકે તેની કાળજી લઈ રહ્યા છે. શહેરમાં આવેલ ઝુંડાળા વિસ્તારમાં વસવાટ કરતા 65 વર્ષના વૃદ્ધ પરસોતમભાઈ મેઘજીભાઈ સોલંકીએ ગાયો અને પક્ષીઓની સેવામાં પોતાનું અડધું જીવન સમર્પિત કરી દીધું છે.

 

તેઓ છેલ્લા 34 વર્ષથી દરરોજ વહેલી સવારે ચોપાટી ખાતે નિયમિત રીતે આવી જાય છે અને અહીં નગરજનો દ્વારા ગાયોને નાખવામાં આવતો ઘાસચારો ગાયો યોગ્ય રીતે ખાઈ શકે તેની વ્યવસ્થા કરી રહ્યા છે તેમજ ગાયોને સમયસર પીવા માટે પાણી મળી રહે તેની વ્યવસ્થા પણ કરી આપે છે. છેલ્લા થોડા મહિનાથી તંત્ર દ્વારા ચોપાટીનું નવિનીકરણ થતા આ સ્થળ ઉપર ઘાસચારો વેચવાની મનાઈ કરી દેવામાં આવી છે પરંતુ પરસોતમભાઈ નામના સેવાભાવીએ પોતાનું સેવાકીય કાર્ય અવિરત રીતે ચાલુ રાખ્યું છે.

 

ચોપાટી ખાતે દેશ-વિદેશના પર્યટકો સહિત દરરોજ નગરજનો ઉમટી પડતા હોય છે અને પક્ષીનગરી તરીકે ઓળખાતા નગરમાં ચોપાટી ખાતે અનેક પક્ષીઓનો જમાવડો રહેતો હોય છે ત્યારે લોકો દ્વારા પક્ષીઓને ચણ નાખવામાં આવે છે, જેથી અનેક પક્ષીઓ સુરક્ષીત રીતે ચણ ચણી શકે માટે પરસોતમભાઈ નિયમિત રીતે વહેલી સવારે ચોપાટીએ આવીને પક્ષીઓની સુરક્ષા તથા પક્ષી માટે પાણીની વ્યવસ્થા કરી આપે છે. આમ, ગાયો અને પક્ષીઓની સેવામાં આ સેવાભાવીએ પોતાનું અડધું જીવન સમર્પિત કરી દીધું છે.

અન્ય સમાચારો પણ છે...