પોરબંદર પાસેથી કારમાંથી ૨૯ લાખની રોકડ રકમ મળી

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગર પાસેના ખંભાળિયા-પોરબંદર હાઇવે ઉપર ફલાઇંગ સ્કવોડએ રૂા.૨૯ લાખ રોકડ રકમ સાથે કાર મળી આવતા તપાસ શરૂ કરી હતી અને જરૂરી ખરાઇ બાદ ઇન્કમટેકસ વિભાગને આગળની કાર્યવાહી સોંપી છે. હાલ લોકસભા ચૂંટણી સંદર્ભે વાહનોના ચેકીંગ તથા રોકડ કે કંઇ શંકાસ્પદ ચીજવસ્તુઓની હેરફેર થતી હોય તો તેના ચેકીંગની કાર્યવાહી સતત ચાલે છે અને તે માટે ચેકપોસ્ટ અને ફલાઇંગ સ્કવોડને કાર્યરત કરવામાં આવી છે.

ત્યારે ખંભાળિયા-પોરબંદર રોડ ઉપર આજે બપોર બાદ એક સ્વીફટ કાર નંબર-જીજે-૨પ-જે-૯૦૦૧ નંબરની પસાર થતી હતી તેને ઉભી રખાવી હતી. જેમાં ચાલક એક જ હતા અને તેની પાસે શું માલ-સામાન છે તે અંગે ફલાઇંગ સ્કવોડના કર્મચારી અને જામખંભાળિયા મામલતદાર કચેરીના નાયબ મામલતદાર પટેલેએ પૂછપરછ કરી હતી. ત્યારે તેના કબ્જામાંથી રૂા.૨૯ લાખ રોકડા મળી આવ્યા હતાં. જે અંગે પૂછપરછ કરતા પોરબંદરની ગંગા કોટન ઇન્ડસ્ટ્રીઝના તે રૂપિયા, ખેડૂતોને કપાસ વેચાણ પેટે ચૂકવવાના હતા તે હોવાનું જણાવ્યુ હતું અને આ અંગેની પહોંચ-કાપલી વગેરે પણ રજૂ કર્યા હતાં. જેથી તપાસ ટીમને આ રકમ વ્યાજબી લાગી હતી. છતાંય જરૂરી ક્રોસ વેરીફીકેશન માટે ઇન્કમ ટેકસ વિભાગને તે સોંપાઇ છે.