( તસવીર - દરિયા કિનારે પડેલી બોટો )
પાક.ની હરકતથી માછીમારોમાં ફરી રોષ
એકજ સપ્તાહમાં કુલ 17 બોટ અને 106 માછીમારોનાં અપહરણથી સરકાર દ્વારા પગલા લેવાય એવી માંગ
પોરબંદર: માછીમારીની સિઝન શરૂ થાય એટલે પાકિસ્તાન મરીન સિક્યુરીટી એજન્સી ભારતીય માછીમારો અને બોટોને બંધક બનાવી જાય છે. આ ઘટના છાશવારે અને વર્ષોથી બને છે, તેમ છતાં અપહરણની ઘટનાને અટકાવવામાં આવતી નથી. કેન્દ્રમાં યુ.પી.એ. હોય કે ભાજપની સરકાર, ભારતીય જળસીમા નજીકથી બોટ અને માછીમારોના અપહરણનો સિલસિલો યથાવત રહ્યો છે. એક તરફ પાક ભારતીય બોટોની મુક્તિની વાત કરે છે તો બીજી તરફ તાજેતરમાં એક-બે નહીં અને 3 અપહરણની ઘટના બનતા માછીમારો ભારે રોષ પ્રર્વત્યો છે.
1600 કિ.મી. લાંબો દરિયાકિનારો ધરાવતા ગુજરાતમાં મત્સ્યોદ્યોગ ધમધમી રહ્યો છે, ત્યારે પાકિસ્તાન મરીન સિક્યુરીટી એજન્સી દ્વારા ગુજરાતની બોટ અને માછીમારોનાં અપહરણ કરવામાં આવે છે. 1998 થી પાક મરીને પોતાનો આ ક્રમ જાળવી રાખ્યો છે. વર્ષથી 2002 થી પાકિસ્તાન માત્ર ભારતીય માછીમારોને મુક્ત કરી રહ્યું છે જ્યારે 800 થી પણ વધુ બોટોની મુક્તિ કરી નથી. કેન્દ્રમાં ભાજપનું શાસન આવ્યું અને પાકિસ્તાન સાથે સબંધોમાં થોડો સુધાર આવ્યો આથી પાકિસ્તાને બોટમુક્તિનાં ગાણા ગાવાનું શરૂ કર્યું. એક ડેલીગેશન પાકિસ્તાન પણ જઈ આવ્યું અને 800 માંથી માત્ર 57 બોટ મુક્ત થશે તેવી જાહેરાતો કરી દીધી.
પરંતુ હજુ સુધી આ બોટોની મુક્તિ શક્ય બની નથી. તો બીજી તરફ પાકિસ્તાને “હમ નહીં સુધરેંગે” નું સુત્ર ગળથુથીમાં મેળવ્યું હોય તેમ આ વર્ષે પણ માછીમારીની સિઝન શરૂ થઈ તેને બે માસ જેવો સમય થયો છે ત્યારે છેલ્લા 1 સપ્તાહમાં અપહરણની 3 ઘટના બની છે. કુલ 17 બોટ અને 106 માછીમારોનાં અપહરણ કરાયા છે ત્યારે માછીમારોમાં રોષ ફેલાઈ ગયો છે. પાકની કુટનીતિ સામે સરકાર આકરા પગલા લે તેવી માંગણી ઉઠી રહી છે.
કોમન ફિશીંગ ઝોનનો મુદ્દો વર્ષોથી અણઉકેલ
પાકિસ્તાન અને ભારતની જળસીમા નજીક હોવાને કારણે બન્ને દેશોનાં માછીમારો એકબીજાની દરિયાઈ સીમામાં અનાયાસે અથવા તો પાણીનાં પ્રવાહમાં પ્રવેશી જતા હોય છે. પરંતુ બન્ને દેશોની સુરક્ષા એજન્સીઓ સુરક્ષાને ધ્યાને રાખીને બોટ અને માછીમારોને ઝડપી લે છે. આથી ભારત અને પાકિસ્તાન બન્ને દેશોનાં માછીમારો કોમન ફિશીંગઝોન ઈચ્છી રહ્યા છે અને વર્ષોથી માંગણી કરી રહ્યા છે, છતાં હજુ ઉકેલ આવ્યો નથી.