મહી લાઇનના વાલ્વ લીકેજથી ઠેર-ઠેર પાણીનો વેડફાટ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

હાલ ઉનાળાના કપરા દિવસોમા અમરેલી જિલ્લામા અનેક ગામોમા પીવાના પાણીની વિકટ સ્થિતિ જોવા મળી રહી છે. તેની વચ્ચે અનેક સ્થળે મહિ લાઇનના વાલ્વ ઠેકઠેકાણે લીકેજ હોય પાણીનો બેફામ વેડફાટ થઇ રહ્યો છે. તો બીજી તરફ ખારાપાટ વિસ્તારમા સિંહો સહિત વન્યપ્રાણીઓ માટે જાણે આ વેડફાતુ પાણી આશિર્વાદ સમાન બન્યુ હોય તેમ જોવા મળી રહ્યું છે.

એક તરફ ભરઉનાળે અમરેલી પંથકમાં પાણીનો પોકાર ઉઠી રહ્યો છે.એક બેડુ પાણી મેળવવા માટે લોકોને આમથી તેમ ભટકવુ પડી રહ્યું છે. ત્યારે વડીયાથી હનુમાન ખીજડીયા માર્ગ પર ખોડિયાર મંદિર પાસે નર્મદાની લાઇનનો વાલ્વ લીકેજ હોય બેફામ પાણીનો વેડફાટ થઇ રહ્યો છે. અહી ખેતર પણ પાણીથી તરબોળ થયું હોય તેવા દ્રશ્યો નજરે પડી રહ્યાં છે. જો આ પાણીનો બચાવ કરવામાં આવે તો અહીંના વિસ્તારનું એક ગામડું પીવાના પાણીથી સંતુષ્ટ થઈ શકે તેમ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે મહિની લાઇનના વાલ્વ અનેક સ્થળે લીકેજ છે. પરંતુ તંત્ર દ્વારા સમારકામની કોઇ કાર્યવાહી કરવામા નથી આવતી જેને પગલે આ રીતે પાણીનો વેડફાટ થતો રહે છે.

ગુજરાતની જીવાદોરી સમી નર્મદા યોજના કરોડો લોકોની તરસ છીપાવે છે. અને મબલખ ખેત ઉત્પાદન ખેડૂતોને કરાવી રહી છે. ત્યારે આજ નર્મદા નીર લોકોને તો ઠીક પણ ગીરના સાવજોને પણ માફક આવી ગયા છે. અને અમરેલી જિલ્લાના વિસ્તારોમાં સિંહો નર્મદાનું ચોખ્ખું પાણી પી ઉનાળાના બળબળતા તાપમાં પોતાની તરસ છીપાવી રહ્યાં છે.

આ પાણીની લાઈનોમાં અમુક કિલોમીટરના અંતર પર એર વાલ્વ મુકવામાં આવે છે. જેથી વધેલું પ્રેશર હવા મારફત બહાર નીકળે અને લાઈનોની સેફટી રહે ત્યારે આ એર વાલ્વમાંથી ચોખ્ખું પાણી વહેતુ હોય છે. અને તે નીચે ખાડામાં ભરેલું હોય છે. જેથી આ ચોખ્ખું નર્મદાનું પાણી અમરેલીના અમુક વિસ્તારના સિંહો માટે આશીર્વાદ સાબિત થઈ રહ્યું છે.

અહી સીમરણ, જીરા, નાના લીલીયા, સાવરકુંડલા રેવન્યુના વંડા, રાજુલાના ડુંગર, જાફરાબાદ, ચલાલા, નેસડી, ઈંગોરાળા, બવાડા, જેસરના અમુક વિસ્તારોમાંથી નર્મદાની લાઈન નીકળે છે.

જેથી અનેક એર વાલ્વ તેમાં અમુક કિમિના અંતરે મુકેલા છે જેમા નીકળતું ચોખ્ખું પાણી હાલ વન્ય જીવો પશુઓ માટે અને સિંહો માટે આશીર્વાદરૂપ છે.

ખેતરોમાં પણ નુકસાન થાય છે
મહિના વાલ્વ અનેક જગ્યાએ અનેક વખત લીકેજ થતા હોય છે જેને પગલે વાડી ખેતરોમા બેફામ પાણી વહી જાય છે. આ પાણી મોટી માત્રામા પાણી વહી જતુ હોય અનેક વખત વાડી ખેતરોમા પણ ખેડૂતોને નુકસાની વેઠવી પડે છે. આ વાલ્વ તાત્કાલીક રીપેર કરાય તેવી માંગ ઉઠી છે. તસવીર-જીતેશગીરી ગોસાઇ

ખાડામાં ભરાયેલું પાણી સિંહ માટે આશીર્વાદરૂપ
વાલ્વે લીકેજ થવાથી ખાડાઓમાં પાણી ભરાતા જિલ્લાના વિસ્તારોમાં સિંહો નર્મદાનું ચોખ્ખું પાણી પી ઉનાળાના બળબળતા તાપમાં પોતાની તરસ છીપાવી રહ્ય હોય તેવી તસવીર જોવા મળે રહી છે. તસવીર- સૌરભ દોશી

અન્ય સમાચારો પણ છે...