Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
પાટડીના ધામામાં સરપંચની રહેમ નજર હેઠળ પાકા દબાણોનો રાફડો
પાટડી તાલુકાના ધામા ગામે સરપંચની રહેમની રહેમ નજર હેઠળ પંચાયતના સભ્યો અને માજી સભ્યો દ્વારા ગામના જાહેર તળાવ અને રસ્તા પર વાડાઓ અને પાકા મકાનો બનાવી દબાણો કરાયા છે. આ અંગે ઉપસરપંચ દ્વારા જિલ્લા કલેક્ટરને રજૂઆત કરાતા દોડધામ મચી છે.
પાટડી તાલુકાના ધામા ગામના ઉપસરપંચ દિનેશચંદ્ર દેવશંકર પંડ્યાએ જિલ્લા કલેક્ટર કે.રાજેશને રજૂઆતમાં જણાવ્યા મુજબ ધામા ગ્રામ પંચાયતના સભ્યો અને માજી સભ્યો દ્વારા ધામા ગામના સરપંચની મીઠી રહેમ નજર હેઠળ ગ્રામ પંચાયતની જમીન પર વાડાઓ અને પાકા મકાનો સાથેના દબાણો કરવામાં આવ્યા છે. ધામા ગ્રામ પંચાયતના જાહેર જળાશય તળાવમાં ભેંસો અને અન્ય જીવો પાણી દૂષિત કરે છે. ધામા બસ સ્ટેન્ડથી દક્ષિણ દિશામાં શિવાલયનું મંદિર આવેલું છે. એની બાજુમાં મોટા પ્રમાણમાં દબાણો કરી સરકારી જમીનમાં પેશકદમી કરવામાં આવી છે.ઉપરાંત હનુમાનજી મંદિર પાસે અને કબીર પંથી સાધુના સમાધિ સ્થળ નજીક પણ તંત્રની મીઠી રહેમ નજર હેઠળ વાડાઓ અને પાકા મકાનોના દબાણોનો રાફડો ફાટ્યો છે. જેમાં કાયદાના જાણકાર નિવૃત તલાટી દ્વારા પણ દબાણો કરી નિયમનો ઉંલઘ્ઘન કરવામાં આવ્યો છે. જેમાં શ્રાવણ માસમાં જ્યાં જાહેર મેળો ભરાય છે. ત્યાં પણ કરાયેલા બેરોકટોક દબાણોને પણ તાકીદે દૂર કરી સરકારી જગ્યા ખાલી કરવાની રજૂઆત બાદ સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર કે.રાજેશ જાતે ધામાની મુલાકાતે આવવાના હોવાના સમાચારથી દબાણકર્તાઓમાં દોડધામ મચી જવા પામી છે.
કલેક્ટર મુલાકાતે આવવાની વાતોથી દોડધામ મચી