તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગોંડલમાં ટ્રિપલ અકસ્માત, યુવાનનું મોત

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગોંડલ રાજકોટ નેશનલ હાઈવે ગુંદાળા ચોકડી પાસે તાલુકા પોલીસ સ્ટેશન નજીક રાત્રીના ત્રણ વાગ્યે કારે બાઇક અને મીની ટ્રેક્ટરને અડફેટે લેતા સર્જાયેલ અકસ્માતમાં નવાગામના યુવાનનું મોત નીપજયું હતું જ્યારે અન્ય ઘાયલ યુવાનને સારવાર માટે દવાખાને ખસેડાયા હતા.

પ્રાપ્ત વિગતો મુજબ ગોંડલ માર્કેટીંગ યાર્ડમાં દૂરદૂરથી ખેડૂતો ડુંગળી વેચવા માટે આવી રહ્યા છે ત્યારે ગતરાત્રીના જેતપુર નવાગામથી મીની ટ્રેક્ટરમાં ડુંગળી ભરી વેચવા આવેલ અરવિંદભાઈ બાબુભાઈ કયાડા અને તેમની સાથે મોટર સાયકલમાં રહેલા વિનુભાઈ સામતભાઈ સોલંકીને ટાટા માંજા GJ3EC 8723ના ચાલક ચિરાગ ધર્મેશભાઈ મિસ્ત્રી (ઉંમર વર્ષ 17) એ અડફેટે લેતા સર્જાયેલા અકસ્માતમાં અરવિંદભાઈનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું જ્યારે વિનુભાઈને ઇજા થતા સારવાર માટે દવાખાને ખસેડાયા હતા અકસ્માત અંગેની તપાસ સીટી પોલીસના જમાદાર રાજદીપસિંહ ચુડાસમાએ હાથ ધરી હતી.

માતેલા સાંઢની માફક દોડી આવી રહેલ કારે પહેલા મોટર સાયકલને અડફેટે લીધું હતું બાદમાં મીની ટ્રેકટરને અડફેટે લેતા ટ્રેક્ટરના ધડાકા સાથે બે ટુકડા થઈ જવા પામ્યા હતા. અકસ્માતમાં મોતને ભેટનાર અરવિંદભાઈ ને સંતાનમાં એક પુત્ર હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું.

ટ્રિપલ અકસ્માતમાં ટ્રેક્ટરના બે ટુકડા થઇ જતાં તસવીરમાં અકસ્માતની ગંભીરતા જોઇ શકાય છે. તસવીર : હિમાંશુ પુરોહિત

અન્ય સમાચારો પણ છે...