મૂળીમાં વૃદ્ધાની હથિયારના 18 ઘા મારી હત્યા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મૂળી માંડવરાયજીદાદા મંદિર પાછળ આવેલા મોરી પા વિસ્તારમાં રવિવારે ભરબપોરે રહેણાંક વિસ્તારમાં વૃધ્ધાને પેટના ભાગે તિક્ષ્ણ હથિયારના 12 અને ગળાના ભાગે 6 ઘા મારી ઘાતકી હત્યા કરાતાં પોલીસે અજાણ્યા શખ્સ વિરૂધ્ધ હત્યાનો ગુનો નોંધી તપાસ આરંભી છે.જયારે બનાવને પગલે એસપી સહિતનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચી તપાસ આરંભી હતી.

મૂળીનાં માંડવરાયજીદાદાનાં મંદિર પાછળ આવેલા મોરી પા વિસ્તારમાં રહેતા 70 વર્ષના નનુબા રતનસિંહ મોરીના પુત્રો સુરેન્દ્રનગર રહેતા હોવાથી એકલા રહેતા હતા. અને તેમની દિકરી તેમજ અન્ય સગા ટીફીન આપતા હતા. ત્યારે બપોરનાં સમય બાદ નનુબા બહાર ન નિકળતા આસપાસમાં રહેતા લોકોએ ઘરે જઇ તપાસ કરતા એક રૂમમાં તાળુ મારેલુ હતુ. અને તેમાં લાઇટ ચાલુ હોવાથી તાળુ તોડી જોતા ખાટલામાં લોહી લુહાણ મૃત હાલતમાં નનુબા મોરીને જોતા તાત્કાલિક તેમનાં પુત્ર માનસંગભાઇ તેમજ વાટુભાને બોલાવી હત્યા થયાની જાણ પોલીસને કરી હતી. આથી પોલીસે લાશનો કબ્જો લઇ વધુ તપાસ હાથ ધરી છે. જેમાં મૃતક વૃધ્ધાને પેટના ભાગે 12 અને ગળાના ભાગે 6 ઘા મારી હત્યા કરી હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતુ઼.

તપાસ : વૃદ્ધા બપોરે ઘરની બહાર ન આવતાં જોયું તો એક રૂમમાં તાળુ હતું તે તોડીને જોતાં ખાટલાંમાં લાશ પડી હતી
મૂળી વૃધ્ધાની હત્યા થતા પોલીસે તપાસ આરંભી હતી. તસ્વીર : જયદેવ ગોસ્વામી

સીધી વાત ડી.બી ચૌહાણ, PSI, મૂળી પોલીસ મથક

હત્યાનું કારણ શું હોઇ શકે ?

- હજુ કાંઇ કહી ન શકાય, આસપાસનાં નિવેદનો અને પરિવારનાં નિવેદન બાદ સાચો ખ્યાલ આવી શકે.

માજીની છેલ્લે કોઇની સાથે વાત થઇ હતી ?

- હા પાડોશમાં રહેતા ભાઇ સાથે દિકરા પાસે દવા મંગાવવા બાબતે ફોન કરાવ્યો હતો અને વાત થઇ હતી.

આરોપીને ઝડપી લેવા કઇ દિશામાં તપાસ અરંભી છે ?

- પ્રથમ દ્રષ્ટિએ કોઇ નજીકનાં કે અંગત વ્યકિતએ ખુન કર્યાનું માલુમ પડે છે. આથી મારવાનો હેતુ શું હોઇ શકે તે જાણી ઘરના તેમજ આસપાસનાં લોકોનાં નિવેદન લઇ તે દિશામાં તપાસ ચલાવી છે.

છેલ્લે પુત્ર સાથે દવા મંગાવવા વાત કરી
પોલીસને ગેરમાર્ગે દોરવા લોખંડનો સોયો સહિતના હથિયારો મૂક્યાં હતાં
હત્યા થયા બાદ પોલીસે આસપાસમાં તપાસ કરતા બાજુમાં લોખંડનો સુયો તેમજ ચપ્પુ હાથ લાગ્યુ હતુ. પરંતુ હત્યારો ખુબ જ ચાલક હોય તેમ તેના પર બ્લડ કે અન્ય વસ્તુ ન મળતા પોલીસેને અવળા રસ્તે લઇ જવા લાશની બાજુમાં હથિયાર મુક્યાનું ચર્ચાઇ રહ્યું છે. તે અંગે પોલીસે ગુનો નોંધી તપાસ આરંભી છે.

અઠવાડીયા પહેલાજ માજી ઘરે આવ્યા હતા
મૂળી મોરી પામાં રહેતા નનુબા મોરીનાં બન્ને પુત્રો સુરેન્દ્રનગર અને વઢવાણ રહે છે. ત્યારે નનુબા હજુ એક સપ્તાહ પહેલા જ મૂળી તેમના જુના મકાને રહેવા આવ્યા હતા. અને તેમના દિકરી બે ટાઇમ ટીફીન આપવા જતા હતા.

અન્ય સમાચારો પણ છે...