તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પાટડી આંગણવાડી ઘટક 1 અને 2ના સીડીપીઓ તાકીદે બદલાયા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાટડી તાલુકાની 30થી વધુ આંગણવાડીમાં વિજળી, પાણી કે શૌચાલયની સુવિધા જ નથી. અને પાટડી તાલુકાની 15થી 17 આંગણવાડી અત્યંત જર્જરિત હોવાથી ભગવાન ભરોસે હોવાનો તા. 22 સપ્ટેમ્બરે દિવ્યભાસ્કરમાં વિસ્તૃત અહેવાલ છપાયો હતો. જેનો પ્રચંડ પડઘો પડતા જીલ્લા પ્રોગ્રામ ઓફિસરે પાટડી આંગણવાડી ઘટક 1 અને 2ના સીડીપીઓની જગ્યાએ ચુડાથી બદલી કરીને નવા સીડીપીઓ મુક્યા છે.

પાટડી તાલુકામાં ઘટક-1માં 145 આંગણવાડી કેન્દ્રોમાં કુલ 4640 ભૂલકાઓ અને ઘટક- 2માં 45 આંગણવાડી કેન્દ્રોમાં કુલ 1442 ભૂલકાઓ નોંધાયેલા છે. પાટડી તાલુકાની આંગણવાડી માટે દિવ્યભાસ્કરે કરેલી જાત તપાસમાં પાટડી તાલુકાની ઘટક 1 અને 2માં થઇને આવેલી કુલ 191 આંગણવાડીમાંથી 30થી 32 જેટલી આંગણવાડી ભાડાના મકાનમાં ચાલે છે. જેમાં તંત્ર દ્વારા શહેરી વિસ્તારની આંગણવાડી માટે મહિને રૂ. 750 અને ગ્રામ્ય વિસ્તારની આંગણવાડી માટે મહિને રૂ. 200નું બજેટ ફાળવવામાં આવે છે. આટલી રકમમાં વિજળી અને પાણીની સુવિધાવાળુ ભાડાનું મકાન મળવુ મુશ્કેલ છે. પાટડી તાલુકાની 25થી વધુ આંગણવાડીમાં નળ અને પાણીની સુવિધા નથી. 35થી વધુ આંગણવાડીમાં શૌચાલયની પણ સુવિધા નથી જ્યારે 40થી વધુ આંગણવાડીમાં વિજળીની સુવિધા નથી જ્યારે 15થી 17 જેટલી આંગણવાડી અત્યંત જર્જરીત હાલતમાં ભગવાન ભરોસે હોવાનું બહાર આવ્યું હતુ.વધુમાં આ જર્જરિત આંગણવાડીઓના મેઇન્ટનન્સ માટે બજેટની જોગવાઇ હોવા છતાં આજદિન સુધી એના માટે પાઇનો પણ ખર્ચ કરાયો નથી.

પાટડી તાલુકાની 191 આંગણવાડીમાં પાંચ વર્ષ અગાઉ ફાળવાયેલા આરઓ પ્લાન્ટ મશીન હજી સુધી 146 આંગણવાડીમાં ફીટ ન કરાવાતા હાલમાં ધૂળ ખાય છે. અને ગરીબ અને પછાત વર્ગના ભુલકાઓ નાછુટકે 2500 ટીડીએસનું પાણી પીવા મજબુર બન્યા છે. સગર્ભા માતા માટે મંગળ દિવસની ઉજવણીના મહિને રૂ. 800 લેખેના નાણા માર્ચ માસથી ચુકવાયા નથી. કિશોરી દિવસની ઉજવણીના નાણાં એક આંગણવાડીના રૂ.882 લેખે 2017થી ચુકવાયા નથી. આંગણવાડી બહેનોને મહિને 8થી 10 વખત તાલુકા લેવલે બોલાવાય છે જેના ભથ્થાની રકમ પણ 2010થી ચુકવાઇ નથી.

માતૃ મંડળના ગરમ નાસ્તાના બિલ પણ એપ્રિલ માસથી ચુકવાયા ન હોવાનો તા. 22 સપ્ટેમ્બરના દિવ્યભાસ્કરમાં તસ્વીર સાથેનો વિસ્તૃત અહેવાલ છપાયો હતો.

દિવ્યભાસ્કરના અહેવાલનો પ્રચંડ પડઘો પડતા સુરેન્દ્રનગર જીલ્લા પ્રોગ્રામ ઓફિસર મનીષાબેન બ્રહ્મભટ્ટે પાટડી તાલુકા આંગણવાડી ઘટક 1ના સીડીપીઓ વાલીબેન પરમાર અને ઘટક 2ના સીડીપીઓ ગૌરીબેનને બદલીને તાકીદે ચુડા તાલુકાના મનહરબા ઝાલાને બંને ઘટકના સીડીપીઓની જવાબદારી સોંપી તપાસના આદેશ આપ્યા છે. સાથે મંગળ દિવસ, કિશોરી દિવસ, મકાનભાડા સહિતના ભથ્થાની ચુકવણી બિલો બે દિવસમાં તૈયાર કરીને ચુકવવાના આદેશ આપ્યાં છે.

 ઈમ્પેક્ટ
અન્ય સમાચારો પણ છે...