તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બોલેરો જીપ બંધ કરાયાની દાઝ રાખી સર્વોતમ ડેરીના સુપરવાઇઝરની હત્યા

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

તળાજા તાલુકાના સમઢિયાળા ગામે રહેતા ભાવેશભાઇ બાલાશંકરભાઇ જોષી (પનોત) (ઉ.વ.32) સર્વોત્તમ ડેરીમાં સુપરવાઇઝર તરીકે ફરજ બજાવતા હતા. તેઓની સર્વોત્તમ ડેરીમાં ફરજનો સમય સાંજના છ વાગ્યાથી રાત્રિના બે વાગ્યા સુધીનો હતો. ગત મોડી રાત્રિના શુમારે ભાવેશભાઇ અને તેમના મિત્ર જયેશભાઇ ગિરજાશંકરભાઇ જાની પોતાની ફરજ પૂર્ણ કરી રાબેતા મુજબ ડેરીની બહાર નીકળેલ. ડેરી બહાર નીકળ્યા બાદ જયેશભાઇએ ભાવેશભાઇને કહેલ કે તમે એસ્સાર પેટ્રોલપંપે ઊભા રહો, હું પેટ્રોલ પંપ પુરાવીને આવું છું.

દરમ્યાન સર્વોત્તમ ડેરીમાં દૂધ લેવા આવતા બોલેરો પીક-અપ (નં.જી.જે.-04-2475)ના ડ્રાઇવર ભોપાભાઇ કસોટિયા (રે.રાજપરા ખો) હાથમાં છરી લઇને આવેલા. ભાવેશભાઇ મો.સા. ઉપર બેઠેલ હોય તેને છાતીના ભાગે બે ઘા મારેલ. જયેશભાઇ ભાવેશભાઇને બચાવવા જતાં ભોપાભાઇએ તેમના પર ઘા મારવાની કોશિશ કરેલ. બાદમાં ભાવેશભાઇને મો.સા. ઉપરથી નીચે ઉતારી ફરીથી એક છરીનો એક ઘા પેટમાં મારેલ. આ ઘટના બનતા સર્વોત્તમ ડેરીના ચેરમેન મહેન્દ્રભાઇ પનોત સહિતના સર્વોત્તમ ડેરીના અધિકારીઓ અને કર્મચારીઓ સરકારી હોસ્પિટલ પહોંચી ગયેલ.

આ બનાવનું કારણ એવું છે કે મરણ જનાર ભાવેશભાઇ પાંચ-છ દિવસ પહેલાં દિવસની પાળીમાં ફરજ પર હતા ત્યારે ભોપાભાઇ કસોટિયા ડેરીમાં ગાળો બોલતા હોય, જેથી ભાવેશભાઇએ ભોપાભાઇને ગાળો બોલવાની ના પાડતા ભોપાભાઇએ ભાવેશભાઇને પણ ગાળો આપેલ. આ બાબતે ડેરીમાં ફરિયાદ કરતાં ડેરીના મેનેજમેન્ટે ભોપાભાઇનો બોલેરો બંધ કરાવી દીધેલ. આથી આ બાબતની દાઝ રાખી, બદલો લેવાના આશય સાથે ભોપાભાઇએ ભાવેશભાઇની છરીના ઘા મારી કરપીણ હત્યા કરી નાખેલ. સિહોર પોલીસે આરોપી ભોપાભાઇને રાજપરા ખોડિયાર મંદિરના પાછળના વિસ્તારમાંથી પકડી લીધેલ છે.

3 વર્ષની દિકરીએ પિતાની છત્ર છાયા ગુમાવી

મૃતક ભાવેશભાઇના 5 વરસ પહેલાં જ પીપરલા ગામે લગ્ન થયા હતા. ભાવેશભાઇનું મોત નિપજતા તેમની ત્રણ વરસની નાનકડી દીકરીએ તેના પિતાની છત્રછાયા ગુમાવી છે. તેમના માતા-પિતા સમઢિયાળા ગામે ખેતી આધાર જીવન જીવી રહ્યા છે. મૃતક ભાવેશભાઇ સર્વોત્તમ ડેરીના ચેરમેન મહેન્દ્રભાઇ પનોતના કૌટુંબિક ભત્રીજા થતા હતા.

78 દિવસમાં હત્યાના 11 બનાવો બન્યા છે

ભાવનગર શહેર જિલ્લામાં છેલ્લા 78 દિવસમાં હત્યાના 11 બનાવો બનવા પામ્યા છે. જેમા વર્ષ-2020 ની શરૂઆતના પ્રથમ દીવસે જ એટલેકે તા.1/1/2020 ના રોજ યુવાને સગ્ગી બહેન અને ભાભીની હત્યા કરી હતી.

બનાવની તારીખ બનાવની વિગત

01/01/2020 મહુવાના ઉગલવાણા ગામે ભાભી-બહેનની હત્યા

08/01/2020 મહુવાના મોણપરનાં ડુંગરમાં પત્નિના પ્રેમીની હત્યા

13/01/2020 શહેરના કરચલીયાપરામાં ઝઘડાની દાઝે હત્યા

16/01/2020 સિહોરના કનાડ ગામે પુત્રએ પિતાનું ઢીમ ઢાળી દીધેલ

10/02/2020 તળાજાના દાત્રડ ગામે પુત્રએ કરી પીતાની હત્યા

14/02/2020 મહુવામા બાઇક અણડાવા બાબતે હત્યા

17/02/2020 પચ્છેગામ લગ્નમાં ફાયરરિંગમાં ગોળી વાગતા મોત

05/03/2020 જેસરમાં જાદુ જોવા ગયેલ મિત્રની મિત્રએ કરી હત્યા

16/03/2020 શહેરના કાળાનાળામાં વેપારીની ઉઘરાણી મામલે હત્યા

19/03/2020 શિહોરમાં સર્વોતમ ડેરીના સુપરવાઇજરની હત્યા

સિહોર પોલીસે આરોપીની રાજપરા ખોડીયાર મંદીર પાછળથી કરી ધરપકડ
અન્ય સમાચારો પણ છે...