છાત્રોની શિષ્યવૃતિ ઓનલાઇન પણ શિક્ષકોના પગાર હજી ઓફલાઇન !

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
21મી સદીનો ઇન્ટરનેટ યુગ ચાલી રહ્યો છે.અત્યારે લગભગ બધી જ સરકારી યોજનાઓ ઓનલાઇન થઇ ગઇ છે. પ્રાથમિક શાળાથી શરૂ કરી કોલેજ સુધીના વિદ્યાર્થીઓની શિષ્યવૃતિઓના ફોર્મ પણ ઓનલાઇન ભરાય છે. અને આ વિદ્યાર્થીઓની શિષ્યવૃતિ પણ તેમના ખાતામાં જ સીધી જમા થાય છે. પરંતુ ગુજરાત રાજયની પ્રાથમિક શાળાઓમાં ફરજ બજાવતા લાખો શિક્ષકોના પગાર ઓનલાઇન કરવા માટેની માંગ શિક્ષક આલમમાં પ્રબળ બની છે.

ગુજરાતમાં હાલમાં લાખો વિધાર્થીઓ પોતાનું ભાવિ ઘડી રહ્યા છે. આ વિદ્યાર્થીઓને પહેલાં રોકડમાં શિષ્યવૃતિ ચુકવાતી હતી. પછી તેમાં થોડો સુધારો કરવામાં આવ્યો. બે-ત્રણ વરસ જે-તે વિદ્યાર્થીઓના ખાતામાં શિષ્યવૃતિ જમા કરવા માટે ચેક આપવામાં આવ્યા. અને હવે તો સીધી રાજ્ય કક્ષાએથી જ ઓનલાઇન શિષ્યવૃતિ જમા કરવામાં આવે છે.

સરકાર જે-તે વિદ્યાર્થીઓને વરસમાં એક જ વાર શિષ્યવૃતિ ચુકવતી હોય છે.અને આ વિદ્યાર્થીઓની સંખ્યા પણ લાખોમાં હોય છે. જયારે દર મહિને જેઓને પગાર ચુકવવામાં આવે છે તેવા ગુરુજનોના પગાર હજી પણ ઓફલાઇન જ થાય છે. રાજય સરકાર ગાંધીનગરથી ગ્રાન્ટ છૂટી કરે. તે ગ્રાન્ટ જે-તે જિલ્લામાં આવે. ત્યાંથી જે તે તાલુકામાં ફાળવણી થાય. તાલુકા પંચાયતોમાં હિસાબો કરવામાં બે-ત્રણ દિવસ નીકળી જાય.બાદમાં અમુક તાલુકામાં આખા તાલુકાના પ્રાથમિક શિક્ષકોનો એક સાથે તો અમુક તાલુકામાં કેન્દ્રવર્તી શાળાના આચાર્યને ચેક આપવામાં આવે છે. એમાંય બીજો શનિવાર આવી જાય તો બેંકમાં રજા હોય. આ આખી પ્રક્રિયામાં આઠ-દસ દિવસે સહેજે વીતી જાય છે. જેને કારણે પ્રાથમિક શિક્ષકોના પગાર લગભગ દર મહિને મોડા થવાની વ્યાપક ફરિયાદ શિક્ષક આલમમાં ઊઠવા પામી છે. આથી ગુજરાત રાજયના પ્રાથમિક શિક્ષકોના પગાર વહેલામાં વહેલી તકે ઓનલાઇન કરવાની માંગ ઊઠી છે.

અન્ય સમાચારો પણ છે...