સિહોર વોર્ડનં.9માં પાણીની સમસ્યાથી રહીશો ત્રસ્ત

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સિહોર વોર્ડનં.9 માં પાણીની તંગી સર્જાતા ખુદ નગરસેવિકાએ જ નગરપાલિકા સામે આંદોલનની ચિમકી આપી છે.

સિહોર શહેરના મોટાભાગના વિસ્તારોના બોર ડૂકી ગયા છે. અને ગૌતમેશ્વર તળાવમાં માત્ર થોડું પાણી બચ્યું છે. જેનાથી સિહોરવાસીઓની પાણીની તકલીફ કંઇ દૂર થાય તેમ નથી.હાલમાં સિહોરવાસીઓ માટે મહીનું પાણી એક માત્ર વિકલ્પ છે. અને આ પાણી પૂરતુ ન હોય નગરજનો પાણી માટે પોકાર કરી રહ્યા છે. વોર્ડ નં.9માં પાણીની સમસ્યા દિન-પ્રતિદિન વકરી રહી છે.

સિહોરના ગુંદાળા વિસ્તારની પાણીની સમસ્યા હલ થવાનું નામ નથી લેતી ત્યાં વોર્ડ નં.9ના ચૂનારા વસાહત, વાલ્મીકિનગર, કેશવનગર, લીલાપીર વિસ્તાર, એકતા સોસાયટી, આશિષ સોસાયટી,પાલણ સોસાયટી, સહિતના રહેણાંકી વિસ્તારોમાં પાણીની અછત ઊભી થવા પામી છે

વોર્ડ નં.9ના વિસ્તારોમાં પાણીના લોદરિયા દોડાવી, નળના સ્ટેન્ડ બનાવવા. આ વિસ્તારમાં એક બોર છે. પરંતુ તેનાથી આટલા મોટા વિસ્તારમાં પાણી પહોંચાડી શકાતું નથી. આથી બીજો બોર મંજુર કરી,પાણીની સમસ્યા હલ કરવામાં આવે. હાલમાં પવિત્ર રમઝાન માસ ચાલી રહ્યો છે. આથી મુસ્લિમ વિસ્તારોમાં પણ પૂરતું પાણી આપવામાં આવે તેવી માંગ કરાઇ છે. વોર્ડ નં.9ના નગરસેવિકા ચંદ્રિકાબેન નમસાએ આ અંગે નગરપાલિકાના ચીફ ઓફિસર અને પ્રમુખને લેખિત રજુઆત કરી આ બાબતે યોગ્ય કરવા રજુઆત કરેલ છે. અને આ બાબતે આગામી દિવસોમાં કોઇ નકકર પરિણામ નહીં આવે તો ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી પણ આ વિસ્તારના રહીશોએ ઉચ્ચારી છે.

અન્ય સમાચારો પણ છે...