તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પ્રાંત અધિકારીના ડ્રાઇવર બંધુઓની જમીન કૌભાંડમાં ધરપકડ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મોરબીના રવાપર ગામની કરોડો રૂપિયાની કિંમતની સરકારી ખરાબાની જમીન હડપ કરવાના કૌભાંડમાં પોલીસે તત્કાલીન ડેપ્યુટી કલેકટરના ડ્રાઇવર એવા બંને ભાઈઓની ધરપકડ કરી છે. જેમાં આ ભાઈઓએ સરકારી ખરાબાની જમીન જે વ્યક્તિના નામે ચડાવવાની હતી. તે વ્યક્તિ પાસેથી 12 લાખથી વધુની રકમ પડાવી હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે.

રવાપર ગામ પાસે આવેલી સર્વે નંબર 56 વાળી માલિકીની જમીન તથા સર્વે નંબર 58 ની સરકારી જમીન અંગેના ખોટા સરકારી હુકમો કઢાવવા બદલ ચાર દિવસ પહેલા કમલેશ બોપલીયા નામના શખ્સની ધરપકડ થઈ હતી. આ કરોડોની કિંમતની જમીન હડપ કરી લેવા માટે કમલેશ ઉપરાંત રવિ ત્રિભોવનભાઇ રાજપરા અને પિયુષ ત્રિભોવનભાઇ રાજપરાની પણ સંડોવણી હોવાનું ખુલતા બી ડિવિઝન પોલીસે આ બંને ભાઈઓની પણ અટકાયત કરી છે. રવિએ અગાઉ મોરબીના ડેપ્યુટી કલેકટરના ગાડીના કોન્ટ્રાક્ટ ડ્રાઈવર તરીકે ત્રણ વર્ષ કામ કર્યું હતું. જ્યારે આ ફરિયાદ નોંધાય ત્યાં સુધી રવિનો ભાઈ પિયુષ પણ પ્રાંત અધિકારી ડ્રાઇવર તરીકે ફરજ બજાવતો હતો. પરંતુ આ ફરિયાદ નોંધાતા તેણે નોકરી છોડી દીધી હતી. રવિ થોડા સમય હાર્દિક પટેલનો પણ ડ્રાઈવર હતો. આ બંને ભાઈઓએ પોતે પ્રાંત અધિકારી સાથે ઓળખાણ હોય અને સેવા સદનમાં નોકરી કરતા હોવાથી આ સરકારી જમીન નામે થઇ જશે. તેમ જણાવી 18 લાખમાં આ કામ હાથમાં લીધું હતું.

રિમાન્ડ દરમિયાન જાણવા મળ્યું કે, આ બંને ભાઈઓએ બોગસ સરકારી દસ્તાવેજ, ખોટા હુકમો તથા ખોટા સહી સિક્કા સાથેના ખોટા સરકારી રેકર્ડ ઊભા કરતા હતા. સેવા સદનમાં જ નોકરી કરતા હોવાથી જે તે ઓરીજનલ દસ્તાવેજ મુજબ ખોટા દસ્તાવેજ તથા મામલતદાર અને પ્રાંત અધિકારીના ખોટા હુકમો ટાઇપ કરાવી લેતા હતા. અને અધિકારીઓના નામના ખોટા સિક્કાઓ મારી હાથે સહી કરી નાખતા હતા. તેમજ એક પછી એક ડોક્યુમેન્ટ તૈયાર કરવા બદલ કમલેશ બોપલીયા પાસેથી પૈસા લઈ લેતા હતા. જેમ મળીને ૧૨ લાખથી વધુ રૂપિયા આ બંને ભાઈઓએ પડાવ્યા છે. પરંતુ છેવટે પોલ ખુલી જતા આ ત્રણેય શખ્સોને જેલ ભેગા થવાનો વખત આવ્યો છે.

કમલેશે જમીન પોતાના નામે કરવા આ બંનેનો સંપર્ક કર્યો હતો
કમલેશ આ કરોડોની જમીન પોતાના નામે કરી લેવા આ બંને ભાઈઓનો સંપર્ક સાધ્યો હતો. રવિ અને પિયુષએ પણ આ કામ થઈ જવાનું જણાવી એક પછી એક ખોટા ડોક્યુમેન્ટ બનાવી કમલેશને આપતા ગયા અને કમલેશ પાસેથી પૈસા લેતા ગયા. પરંતુ હજુ બધા જ હુકમો આવ્યા ન હોવાથી કમલેશે પોતાના મિત્રને એડિશનલ કલેક્ટર કેતન જોશી પાસે નામ ચડ્યું કે નહીં તે ચકાસવા મોકલ્યો હતો. પરંતુ જોશી સાહેબને આ દસ્તાવેજો જોતાં ખોટા હોવાની જાણ થઈ હતી. અને તેમણે પોતાના વિભાગમાં આ અંગે તપાસ કરાવી. જેમાં પણ આવા કોઈ જ હુકમો ન થયાનું સ્પષ્ટ થતાં મામલતદારે બી ડિવિઝન પોલીસ મથકમાં આ અંગે ફરિયાદ નોંધાવી હતી.

માત્ર 3 જ શખ્સો કે હજુ કોઇ?
કરોડો રૂપિયાની આ સરકારી જમીન હડપ કરવા ટાઇલ્સ ટ્રેડિંગનો ધંધો કરતો કમલેશ અને બે ડ્રાઇવર બંધુની ધરપકડ થઈ છે. પરંતુ આટલી કિંમતી જમીન પચાવી પાડવા ત્રણ શખ્સ જ હતા કે હજુ કોઈ મુખ્ય ભેજું હતું. તે પોલીસ રિમાન્ડ દરમિયાન બહાર આવશે.

અન્ય સમાચારો પણ છે...