ગોંડલમાં માર્ગો પરના પેવરબ્લોક રાહદારીઓ માટે બન્યાં જોખમી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરમાં ચકાચક સિમેન્ટ રોડ બન્યાં બાદ રોડ ઉપર વાયર ક્રોસિંગ માટે પેવર બ્લોક ફિટ કરાયા હોય વરસાદ ને કારણે બ્લોક ઉખડી જવાથી ખાપીયાતોડ રસ્તા રાહદારીઓ માટે જોખમી બન્યાં છે. બીજી બાજુ નગરપાલિકા દ્વારા વિકટ બનેલી આ સમસ્યા અંગે આંખ આડા કાન થઇ રહયાં હોય લોકો પરેશાની ભોગવી રહ્યા છે.

નગરપાલિકા તંત્ર દ્વારા શહેરનાં રાજમાર્ગોનું કરોડો નાં ખર્ચે નવીનીકરણ કરી ટનાટન નિર્માણ કરાયું અને માર્ગો વચ્ચે વાયર ક્રોસિંગ માટે અનેક જગ્યાએ પેવર બ્લોકનાં પટ્ટા મુકાયા જે સારી વાત કહીં શકાય. પરંતુ ચોમાસા દરમિયાન વરસાદ ને કારણે ઠેર ઠેર પેવર બ્લોક ઉખડી જવાથી બે ફુટ પહોળો અને નવ ફુટ લંબાઈ ધરાવતો પટ્ટો ખાપીયાતોડ બનવાં પામ્યો હોય રાહદારીઓ પરેશાન બન્યાં છે. બ્લોક ઉખડી જવાથી વાહનો ઉછળીને પટકાય તેવાં બનાવો રોજીંદા બન્યાં છે.

છેલ્લા પાંચ સાત દિવસથી અવિરત વરસાદ વરસતો હોય પેવર બ્લોકનાં ખાડામાં પાણી ભરાતા હોય ચાલકો અકસ્માતનો ભોગ બને છે. બે દિવસ પહેલાં કોલેજ ચોકમાં રોડ પરનાં ખાબડ ખુબડ બનેલ પટ્ટામાં બાઇક પર પસાર થઇ રહેલું દંપતી ઇજાગ્રસ્ત બન્યું હતું. પેચવર્ક માટે અલાયદી રકમ ફાળવાઇ હોવાં છતાં નગરપાલિકા તંત્રની લાપરવાહી ચર્ચાનો વિષય બનવાં પામી છે.

અન્ય સમાચારો પણ છે...