Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ચોકીના 3 ભૂમાફીયાઓ સામે 18 કરોડથી વધુ રેતીચોરીની ફરિયાદ
લીંબડી તાલુકાના ચોકી ગામે દલિતોના સ્મશાનમાં રેતી ચોરી કરનાર 3 ભૂમાફિયા વિરૂદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે. ખાણ ખનીજ વિભાગના કર્મીએ ચોકી ગામે 5.38 લાખ મેટ્રીક ટન રેતી ચોરી અને પર્યાવરણને નુકસાન પહોંચાડવા માટે 18 કરોડથી વધુની ચોરીની ફરિયાદ નોંધાવતાં પંથકના ખનન માફિયા આલમમાં ફફડાટ ફેલાય ગયો છે.
લીંબડી તાલુકાના ચોકી ગામના ભોગાવા નદી કાંઠે આવેલા દલિતોના સ્મશાનમાં ભૂમાફીયાઓ માનવ કંકાલ બહાર નીકળ્યા તે હદ સુધી રેતી ચોરી કરી હતી. વડીલોના માનવ કંકાલ શ્વાનનો ખોરાક બનતા દલિત સમાજની લાગણી દુભાઇ હતી. દલિત સમાજના આગેવાનોએ પ્રાંત અધિકારી ચિંતન મીશનને આવેદન આપી ખાણ ખનીજ વિભાગને લેખિત ફરિયાદ કરી ખનન માફિયા ગેંગ વિરુદ્ધ પગલાં લેવા માંગ કરી હતી. ફરિયાદને ધ્યાને લઈ ખનીજ અને મામલતદાર ટીમ ચોકી ગામે પંહોચી સ્મશાનની માપણી કરી હતી. ચોકી ગામે દલિતોના સ્મશાનમાં રેતી ચોરી કેસમાં દશરથ કેહુભાઈ ધાડવી, કિશોર રણજીતસિંહ ઝાલા અને અરવિંદ ભગવાનભાઈ મોરીના નામો ખુલ્યાં હતા. ખાણ ખનીજ વિભાગના સુપર વાઈઝર આશિષભાઈ નરેન્દ્રભાઈ પરમારે ત્રણેય ખનન માફિયા વિરુદ્ધ લીંબડી પોલીસ મથકે 5,38,761 મેટ્રીક ટન રેતી કિંમત રૂપિયા 12.93 કરોડ અને 5.30 કરોડ રૂપિયા પર્યાવરણ નુકસાની વળતર એમ કુલ મળીને 18,23,16,722 રૂપિયાની સરકારી તિજોરીને આર્થિક નુકસાન પહોંચાડવાની ફરિયાદ નોંધાવી હતી. 18 કરોડથી વધુની રેતી ચોરીની ફરિયાદથી ખનન માફિયા આલમમાં ફફડાટ ફેલાયો છે.