જસદણમાં ITIના વિદ્યાર્થીના હત્યારા પૈકી એકની ધરપકડ, અન્ય બે આરોપી ફરાર

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

જસદણના લાતીપ્લોટના ગોખલાણા ગામ તરફ જવાના રસ્તે આવેલા રીક્ષા સ્ટેન્ડ પાસે અગાઉ નાની મોટી બાબતે થયેલી માથાકૂટનો ખાર રાખીને ત્રણ આવારા તત્વોએ આઇટીઆઇના વિદ્યાર્થીને છરીનો એક ઘા ઝિંકી મોતને ઘાટ ઉતારી દેવાની ગુરુવારની ઘટનામાં જસદણ પોલીસે એક શખ્સને સકંજામાં લઇ લીધો હતો અને અન્ય બેની શોધખોળ જારી છે. જસદણના આંબેડકર નગરમાં રહેતા રમેશભાઇ પરમારના પુત્ર કિરણ ઉર્ફે જીનિયો આઇટીઆઇમાં વાયરમેનનો કોર્સ કરતો હતો. મૃતકના પિતા લાલકા ગામે જાનનું ભાડુ હોવાથી ખાનગી બસ લઇ લાલકા ગયા હતા ત્યારે તેના વચેટ પુત્રનો ફોન આવ્યો હતો કે કિરણને અનિલ મકવાણા, કિરણ મકવાણા, સંજય મકવાણા, જયદીપ પરમાર અને દીપક પરમાર સાથે માથાકૂટ થઇ છે અને તેમણે કિરણને છરી મારી દેતાં હોસ્પિટલ ખસેડાયો છે. પિતા પરત આવ્યા અને સારવાર કારગત નીવડે તે પહેલાં કિરણનું મોત નીપજ્યું હતું. પોલીસે સંજય મકવાણાની ધરપકડ કરી અનિલ તેમજ કિરણની શોધખોળ આરંભી છે.

સમાધાન થઇ ગયું હતું તો પણ હુમલો કર્યો

જયદીપ પરમારે જણાવ્યું હતું કે ત્રણેયને કિરણ પરમાર અને મારી સાથે બોલાચાલી થઇ હતી અને આસપાસ લોકો એકઠા થઇ જતાં ત્યાંથી બધા લાતીપ્લોટના ગોખલાણા ગામ જવાના માર્ગે ગયા હતા ત્યાં ફરી ઝઘડો આગળ વધ્યો અને સંજયે કિરણને વાંસાના ભાગે છરી ઝિંકી દીધી હતી. આ અગાઉ દીવાળી અને ઉત્તરાયણ પર પણ ડખ્ખો થયો હતો.

ગોંડલ DYSPએ ખાતરી આપતા લાશ સ્વીકારી

ગોંડલ ડીવાયએસપી રાવલ સહિતના સ્ટાફે આરોપીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા અને બે ફરાર આરોપીઓને ઝલદી પકડી પાડી કાયદાનું ભાન કરાવવાની ખાતરી આપતા પરિવારજનોએ વહેલી સવારે 4-૩૦ કલાકે લાશને સ્વીકારી હતી.
અન્ય સમાચારો પણ છે...