• Gujarati News
  • કોડીનારનાં માઢવાડબંદરે વર્ષોથી જેટી બનાવવાનો પ્રશ્ન અદ્ધરતાલ

કોડીનારનાં માઢવાડબંદરે વર્ષોથી જેટી બનાવવાનો પ્રશ્ન અદ્ધરતાલ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
માઢવાડબંદર વિસ્તારનાં બોટ એસો.નાં પ્રમુખ સોમાભાઇ કાનજીભાઇ પાંજરી તથા લખમભાઇ આગીયાએ રાજયનાં મુખ્યમંત્રી સહિતનાં લાગતા વળગતા તંત્રને જોરદાર રજૂઆત કરી છે.

વિશાળ દરિયાકાંઠા વિસ્તાર ધરાવતા કોડીનારમાં એકપણ બંદર ઉપર જેટી નથી. વિસ્તારનાં કોટડી બંદરથી મુળ દ્વારકા બંદર વિસ્તારનાં સેંકડો માછીમારો સીઝન દરમિયાન હિજરત કરીને અન્ય બંદર વિસ્તારમાં માછીમારી માટે જાય છે. જેથી હિજરત કરી રહેલા માછીમારોનાં છોકરાઓના ભણતર સહિતનાં અનેક સામાજિક પ્રશ્નો ઉભા થાય છે. કોડીનારનાં માઢવાડ બંદર ઉપર દાયકાથી માછીમારો તંત્રમાં રજૂઆત કરે છે ત્યારે તેઓને માત્ર એક જવાબ મળે છે કે આપના વિસ્તારમાં જેટી બનાવવાનું કામ પ્રગતિમાં છે. પરંતુ જેટી બની નથી. સરકારે સાગર ખેડૂઓ માટે અનેક યોજનાઓ સને 2006 માં જાહેર કરી હતી. પરંતુ કોડીનાર વિસ્તારનાં સાગર ખેડૂ માટે યોજના માટે એકપણ રૂપિયા વાપરવામાં આવ્યો નથી કે તેનો લાભ માછીમારોને મળ્યો નથી. સને 2012 માં વેરાવળ ખાતેનાં સાગરખેડૂ સંમેલનમાં તત્કાલીન મુખ્યમંત્રી અને હાલનાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ માઢવાડ બંદરને જેટી બનાવી આપવામાં ઠાલા વચનો આપ્યા હતા. પરંતુ માઢવાડ બંદરે જેટીનો પ્રશ્ન કયાં અટવાયો છે તેની ગરીબ અજાણ માછીમારોને ખબર નથી ત્યારે કોડીનાર તાલુકાનાં માછીમારી પ્રજા માટે વર્ષો જુની જેટી બનાવવાની માંગણી ફળભૂત થશે ખરી કે પછી ઠાગાઠૈયા કરૂ છું ચાચડુ ઘડાવું છુ જાવ કાબરબાઇ કાલે વહેલો આવું છું એવું થશે.