જૂનાગઢમાં વધુ 4.5 ઈંચ પાણી વરસી ગયું, વિલીંગ્ડન છલકાયો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગિરનાર જંગલ અને જૂનાગઢમાં બે દિવસથી અનરાધાર વરસાદ પડી રહ્યો છે. ગુરૂવારની રાત્રે અને શુક્રવારે સવારે તો વરસાદે તમામ રેકોર્ડ તોડી નાખ્યાં હતાં. ગિરનાર જંગલમાં આભ ફાટ્યું હતું. વન વિભાગનાં કંટ્રોલરૂમનાં જણાવ્યાં મુજબ ગિરનાર પર્વત અને જંગલમાં 425 મીમી એટલે કે 17 ઇંચ વરસાદ પડ્યો હતો. ગિરનારમાં ભારે વરસાદનાં પગલે ઉબેણ, ઓઝત, સોનરખ, કાળવા નદીમાં ઘોડાપુર આવ્યાં હતાં અને જૂનાગઢ તાલુકાનાં અનેક ખેતરોમાં પાણી ભરાઇ ગયા હતાં. બીજી તરફ જૂનાગઢ શહેરમાં 4.5 ઇંચ વરસાદ ખાબકી જતા રસ્તા પર નદીઓ વહી હતી. જૂનાગઢ શહેરમાં ઠેર-ઠેર પાણી ભરાઇ ગયા હતાં.

જૂનાગઢમાં સોમવારથી વરસાદ પડવાનું શરૂ થયું છે. જૂનાગઢમાં સતત પડી રહેલા વરસાદનાં પગલે જનજીવન પ્રભાવીત થયું છે. જૂનાગઢ ઉપરાંત ગિરનાર જંગલમાં સાંબેલાધારે વરસાદ પડ્યો છે. ગિરનાર જંગલમાં ગુરૂવારે 7 ઇંચ વરસાદ પડ્યો હતો. બાદ ગુરૂવારની રાત્રે અને શુક્રવારે સવારેનાં 10:30 વાગ્યા સુધી વરસાદ પડ્યો હતો. ગિરનાર જંગલમાં 17 ઇંચ વરસાદ પડ્યો હતો. રાત્રે પડેલા વરસાદનાં કારણે ગિરનારમાંથી નિકળતી નદીઓમાં ઘોડાપુર આવ્યાં હતાં. ઉબેણ, ઓઝત, સોનરખ અને કાળવા નદી બે કાઠે વહી હતી. તેમજ જૂનાગઢ, વંથલી તાલુકાનાં અનેક ખેતરમાં પાણી ભરાઇ ગયા હતાં. આ નદીઓ ઉપર આવતા ડેમમાં નવા નીરની આવક થઇ હતી. બીજી તરફ જૂનાગઢ શહેરમાં ગુુરૂવારની રાત્રે 65 મીમી અને શુક્રવારે સવારે 50 મીમી વરસાદ નોંધાયો હતો. આમ જૂનાગઢમાં સતત બીજા દિવસે 4.5 ઇંચ વરસાદ ખાબકી ગયો હતો. જૂનાગઢમાં પડેલા વરસાદનાં પગલે રસ્તા પર નદીઓ વહી હતી. તેમજ અનેક જગ્યાએ પાણી ભરાઇ ગયા હતાં.

ગુરૂવારે વિલીંગ્ડન ડેમમાં 4 ફૂટ અને આણંદપુર ડેમમાં 6 ફૂટ પાણી આવ્યું હતું. જંગલમાં રાત્રે પડેલા ભારે વરસાદનાં પગલે નદીઓમાં ઘોડા પુર આવ્યાં હતાં અને એક જ રાત્રીમાં બન્ને ડેમ છલકાવી દીધા હતાં. શુક્રવારે વહેલી સવારે વિલીંગ્ડન ડેમ ઓવરફલો થયો હતો. અડધા ફૂટ પરથી વિલીંગ્ડન ડેમ ઓવરફલો થઇ રહ્યો છે. જયારે આણંદપુર ડેમ એક ફૂટ ઉપરથી અોવરફલો થઇ રહ્યો છે. બીજી તરફ જૂનાગઢ મધ્યે આવેલા નરસિંહ મહેતા તળાવમાં પાણી આવ્યું હતું. બપોર સુધીમાં તો નરસિંહ મહેતા તળાવ પણ ઓવરફલો થઇ ગયું હતું. જંગલમાં આવેલા હસ્નાપુર ડેમમાં 9 ફૂટ નવું પાણી આવ્યું છે.

બાદલપુર ગામમાં ખેતરો ધોવાયા
જૂનાગઢ તાલુકાનાં અનેક ગામમાં ખેતરો ધોવાઇ ગયા છે. જૂનાગઢનાં બાદલપુર ગામમાં ખેતરોમાં પાણી ફરી વળ્યાં હતાં અને આગોતરૂ વાવેતર કરેલા પાકને નુકસાન થયુ હતું. તેમજ ધંધુસરમાં પણ અનેક ખેતરમાં પાણી ઘુંસી ગયા હતા.

અન્ય સમાચારો પણ છે...