અષાઢી બીજે શહેરમાં દોઢ કલાકમાં અનરાધાર બે ઇંચ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વેધર રિપોર્ટર ☺¿ ભાવનગર | 14 જુલાઈ

પુનર્વસુ નક્ષત્રમાં ભાવનગર શહેર અને જિલ્લામાં સતત મેઘમહેર વરસી રહી છે. ભાવનગર શહેર અને જિલ્લામાં ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે. આજે અષાઢી બીજે ભાવનગર શહેરમાં રથયાત્રા પસાર થઇ રહી હતી ત્યારે બપોરના સમયે મેઘસવારી આવી પહોંચી હતો અને ભક્તોએ આ વરસાદને શુકનવંતો ગણી બેવડા ઉત્સાહ અને ઉમંગથી ભગવાના દર્શન કરવા ઉમટી પડ્યા હતા. આ વર્ષે મેઘરાજા ખરેખર મહુવા પંથક પર મહેરબાન હોય તેમ આજે પણ મહુવામાં પોણા બે ઇંચ વરસાદ વરસી ગયો હતો. ભાવનગર શહેરના પૂર્વ વિસ્તારમાં બે ઇંચથી વધુ વરસાદ વરસી ગયો જ્યારે પશ્ચિમ વિસ્તારમાં માત્ર અડધો ઇંચ જ વરસાદ વરસ્યો હતો. ઉમરાળામાં પોણો ઇંચ, વલ્લભીપુરમાં પણ અડધો ઇંચ વરસાદ વરસી ગયો હતો. જેસરમાં 9 મી.મી., ગારિયાધારમાં 4 મી.મી. વરસાદ વરસી ગયો હતો.

ભાવનગર શહેરમાં આજે બપોર સુધી અસહ્ય બફારો રહ્યા બાદ ત્રણ વાગ્યા પછી શહેરમાં વાઘાવાડી રોડ, ક્રેસન્ટ, હલુરિયા, વડવા, ડોન ચોક, ડાયમંડ, મહિલા કોલેજ, સુભાષનગર, ઘોઘા સર્કલ, ભરતનગર, ગાયત્રીનગર, શહેર ફરતી સડક સહિતના વિસ્તારોમાં માત્ર દોઢ કલાકના સમયગાળામાં બે ઇંચથી વધુ વરસાદ ખાબકી ગયો હતો. શહેરમાં એરપોર્ટ ખાતે હવામાન કચેરી ખાતે 46 મી.મી. વરસાદ વરસી ગયો હતો જ્યારે ભાવનગર કન્ટ્રોલ કે જે બોરતળાવ ખાતે છે ત્યાં માત્ર 11 મી.મી. જ વરસાદ વરસ્યો હતો. આમ શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં વરસાદમાં દોઢ ઇંચનો તફાવત નોંધાયો હતો.

...અનુસંધાન પાના નં.08

મહુવા શહેર અને આસપાસના વિસ્તારમાં દિવસ દરમિયાન 42 મી.મી. (પોણા બે ઇંચ) વરસાદ નોંધાવા પામેલ છે. મોસમનો કુલ વરસાદ 334 મી.મી(13.5 ઇંચ)થવા પામેલ છે. મહુવા શહેરમાં છેલ્લા ચાર દિવસથી સર્જાય રહેલ મેઘ ડંબર પ્રમાણે મુશળધાર વરસાદ ની અપેક્ષા નગરજનોમાં ઠગારી નિવડી છે. મહુવા પંથકમાં દરરોજ 2 કલાક બાદ સાંજે 6 સુધીમાં ધીમીધારે વરસાદ પડે છે. વરસાદ શરૂ થાય ત્યારે લોકોને એક સામટો ચાર-પાંચ ઇંચ વરસાદ પડે તેવી આશા બંધાય છે. પરંતુ મન મુકીને મેહુલીયો વરસતો નથી. આજે પણ પોણા બે ઇંચ વરસાદથી સંતોષ માનવો પડ્યો હતો.

જેની ચાતક પક્ષીની જેમ રાહ જોતા હતાં તેવા મેઘાની વલભીપુર પંથકમાં છેલ્લાં બે ત્રણ દિવસથી ઝરમર ઝરમર સાથે વરસતો હતો. વલભીપુર શહેર તેમજ તાલુકાના ચમારડી ગામે તો મેઘરાજાએ જોરદાર એન્ટ્રી કરી હતી તેમજ ઉગમણી દિશામાં આવેલા ગામડા�ઓ મોણપુર, નવાગામ(ગા), રતનપુર (ગા), વેળાવદર (સાલપરા), વીરડી, આણંદપર, રાજપરા (ભાલ), પાટણા, અંદાજીત એક થી અઢી ઈંચ જેટલો વરસાદ થયાનાં અહેવાલ મળી રહ્યાં છે. તો ઉગમણી દિશામાં કંથારીયા,પચ્છેગામ, ખેતાટીંબી, મેલાણા ગામે મોડી સાંજે ધીમી ધારે શરૂ થયો છે. માત્ર ધરતીપુત્રોજ નહીં બલ્કે સર્વ પ્રજાજનોમાં આનંદની લહેર તો વાતાવરણમાં ઠંડક પ્રસરી જતાં ગરમી અને ઉકળાટમાંથી હાશકારો થયો હતો. વલભીપુર શહેરમાં આજનો આ વરસાદ સવારના 6 વાગ્યાથી સાંજના 4 વાગ્યા સુધીમાં માત્ર 11 મી.મી.નોંધાયો હતો.

અન્ય સમાચારો પણ છે...