• Gujarati News
  • રાજ્યમાં ફરજિયાત મતદાન અમલી

રાજ્યમાં ફરજિયાત મતદાન અમલી

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજ્યસરકારે ફરજિયાત મતદાન કાયદાના અમલીકરણ માટેનું નોટિફિકેશન વિધિવત જાહેર કરી દીધું છે. હવેથી રાજ્યમાં યોજાનાર ગ્રામ પંચાયતથી લઇને જિલ્લા પંચાયત અને નગરપાલિકાથી લઇને મહાનગરપાલિકા સુધીની કોઇપણ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાની ચૂંટણીમાં મતદારોએ ફરજિયાત મતદાન કરવું પડશે. કાયદાકીય પ્રક્રિયાઓના આટાપાટા ઉકેલવા માટે સરકારે નોટીફિકેશન વિધિવત પ્રસિદ્ધ કર્યું હોવા છતાં તેને 10 દિવસ સુધી ગુપ્ત રાખ્યું હતું. હવે તમામ બાબતો ક્લીયર થઇ જતાં આખરે નોટિફિકેશનની વિગતો બહાર આવી છે. સ્થાનિક સ્વરાજ્યની ...અનુસંધાન પાનાં નં.6ચૂંટણીમાં મતદાન ફરજિયાત બનાવવાનો સરકારનો મનસૂબો આખરે વર્ષ જેટલા લાંબા સમય પછી પાર પડી શક્યો છે. ઓક્ટોબરમાં 6 મહાનગરપાલિકા સહિત નગરપાલિકા-પંચાયતોની મોટાપાયે યોજાનાર ચૂંટણીમાં કાયદાનો પ્રથમવાર અમલ થશે.

રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં મતદાન ફરજિયાત બનાવવાના વર્ષ 2009માં પસાર થયેલા વિધેયકને અગાઉના રાજ્યપાલે નામંજૂર કર્યા બાદ સરકારે તેને ફરી પસાર કર્યું હતું અને રાજ્યપાલની મંજૂરી મળતાં તેના અમલીકરણ માટે કવાયત શરૂ કરી હતી. અનેક વિરોધ અને અડચણો છતાં સરકાર ફરજિયાત મતદાનના કાયદાના અમલને વળગી રહી હતી પરંતુ તેમાં કાયદાકીય આંટીઘૂંટી ઉકેલવામાં ઘણો સમય વ્યતિત થઇ ગયો હતો. હવે આખરે તેનો અમલ શરૂ થઇ શક્યો છે.

કાયદાના અમલ માટેનું નોટિફેકેશન રાજ્ય સરકારે 17મી જુલાઇના રોજ પ્રસિદ્ધ કરી દીધું હતું પરંતુ માટે અન્ય કાયદામાં સુધારાની જરૂરિયાત અને કેટલીક નગરપાલિકાઓની ચૂંટણીની પુરી થઇ રહેલી મુદ્દતની બાબત અચાનક ધ્યાને આવતાં સરકારે નોટિફિકેશનની વિગતો ગુપ્ત રાખી હતી અને ચૂંટણીઓની મુદ્દતમાં વધારો તેમજ પંચાયત-પાલિકાના સભ્યો મતદાન કરે તો સભ્યપદેથી દૂર કરવાની જોગવાઇ અંગે વટહૂકમ બહાર પાડીને રાજ્યપાલની મંજૂરી માટે મોકલી આપવામાં આવ્યો હતો. તમામ પ્રક્રિયાઓ પૂર્ણ થઇ જતાં આખરે નોટિફિકેશનની વિગતો જાહેર થઇ છે.

ફરજિયાત મતદાનનો અમલ કરનાર ગુજરાત પ્રથમ રાજ્ય

સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં ફરજિયાત મતદાનનો અમલ કરનાર ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય છે. ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ જેવા કેટલાક દેશોમાં પ્રકારનો કાયદો અમલી છે પરંતુ ભારતના એકપણ રાજ્યએ મતદાનને ફરજિયાત બનાવ્યું નથી. જોકે, કાયદાના અમલ સામે પણ અનેક સંસ્થાઓએ વિરોધ નોંધાવ્યો હતો પરંતુ સરકારે મક્કમ વલણ અપનાવીને આખરે તેનો અમલ શરૂ કર્યો છે. ગુજરાત સરકારને વર્ષ પછી કાયદો અમલમાં લાવવામાં સફળતા મળી છે.

વટહૂકમને પણ રાજ્યપાલની મંજૂરી

ફરજિયાત મતદાનના કાયદા અમલીકરણ માટે અવરોધરૂપ બાબતો અંગે રાજ્ય સરકારે વટહૂકમ બહાર પાડવાનો નિર્ણય લીધો હતો. નવી ત્રણ નગરપાલિકાની સામાન્ય અને 6 નગરપાલિકાની પેટા ચૂંટણીની મુદ્દત પુરી થતી હોવાથી તેનો સમય વધારવાની જોગવાઇ અને પંચાયત પાલિકાના ચૂંટાયેલા સભ્યો મતદાન કરે તો તેમને ગેરલાયક ઠેરવવાની જોગવાઇ અંગે કાયદામાં સુધારો એમ ત્રણ જોગવાઇઓ સાથેનો વટહૂકમ રાજ્યપાલને મોકલવામાં આવ્યો હતો. જેના પણ રાજ્યપાલે મંજૂરી આપી દેતા હવે ચૂંટાયેલા સભ્યો માટેની જોગવાઇઓ પણ અમલી બની ગઇ છે.

સરકારે કાયદાકીય પ્રક્રિયા બાદ વટહુકમ ગુપ્ત રાખી જાહેર કર્યો

નીતિ નિયમો હવે જાહેર કરાશે

રાજ્યસરકાર દ્વારા ફરજિયાત મતદાનનું માત્ર નોટિફિકેશન પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે અને 17 જુલાઇથી કાયદો અમલી બની ગયો છે. જેથી હવે પછી યોજાનાર તમામ પંચાયત-પાલિકાની ચૂંટણીમાં તેનો અમલ થશે. પરંતુ માટેના નીતિ-નિયમો હજુ સરકારે જાહેર કર્યા નથી. હવે ચૂંટણીઓ ઓક્ટોબરમાં યોજાનાર હોવાથી સરકાર તે પહેલા ગમે ત્યારે નીતિ-નિયમો જાહેર કરી શકશે.