• Gujarati News
  • ધારી, ગોંડલ, ઊના પંથકમાં વરસાદે ભીમઅગિયારસનું મુહૂર્ત સાચવ્યું

ધારી, ગોંડલ, ઊના પંથકમાં વરસાદે ભીમઅગિયારસનું મુહૂર્ત સાચવ્યું

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક

રાજકોટજિલ્લામાં છેલ્લા બે દિવસથી અમુક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો જોવાયો છે અને સતત બીજા દિવસે અમુક વિસ્તારો વરસાદી ઝાપટાંથી ભીંજાયા હતા. જો કે વરસાદના લીધે વાતાવરણમાં કોઇ ખાસ ઠંડક નહોતી પ્રસરી. ગોંડલ નજીકના મોવિયામાં સમી સાંજે વાદળો વરસી પડ્યા હતા અને હળવો વરસાદ પડ્યો હતો, જ્યારે અમરેલી જિલ્લાના ધારી પંથકના ડાંગાવદરમાં અડધો ઇંચ જેટલો વરસાદ વરસી ગયો હતો.

જ્યારે ઉના તાલુકાના જસાધાર, ચીખલકુબા સહિતના ગ્રામ્ય વિસ્તારમાં સમી સાંજે ભારે પવન સાથે જોરદાર ઝાપટું વરસી ગયું હતું. ગુરુવારે જસદણ પંથકમાં મોડી સાંજે વરસાદ વરસી ગયા બાદ સિલસિલો શુક્રવારે પણ ચાલુ રહ્યો હતો અને ગોંડલના મોવિયા મુકામે સાંજે વાતાવરણમાં પલટો આવ્યો હતો અને અચાનક ગગન ગોખે વાદળો છવાઇ ગયા હતા અને મેઘગર્જના સાથે હળવો વરસાદ વરસી પડ્યો હતો. જ્યારે અમરેલી જિલ્લામાં ભીમઅગિયારસ પર્વે જાણે મેઘરાજાએ શુકન સાચવ્યું હોય ધારી તાબાના ડાંગાવદર ગામે બપોરબાદ આકાશમાં વરસાદી વાદળો ચડી આવ્યા હતા. અહી ભારે પવન સાથે અડધો ઇંચ વરસાદ પડી ગયો હતો. પવનના કારણે વૃક્ષો પણ ધરાશાયી થયા હતા, જ્યારે ધારીમાં હળવા ઝાપટાં પડતા રસ્તા ભીના થયા હતા અને વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી. જો કે જિલ્લામાં અન્યત્ર કયાંય વરસાદના વાવડ મળ્યા હતા.

વરસાદને પગલે ક્ષણિક ઠંડક પ્રસરી ગઇ હતી. / જયેશભોજાણી