• Gujarati News
  • ભાણેજે મામા અને પિતરાઇ ભાઈને ધારિયાના ઘા ઝીંકી વેતરી નાખ્યા

ભાણેજે મામા અને પિતરાઇ ભાઈને ધારિયાના ઘા ઝીંકી વેતરી નાખ્યા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જમવા બાબતે થયેલી બોલાચાલી બાદ મામલો હત્યા સુધી પહોંચ્યો

ભચાઉના જડસા ગામની સીમમાં બનેલી ઘટના, પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડ્યો

ક્રાઇમરિપોર્ટર. ગાંધીધામ

ભચાઉતાલુકાના જડસા ગામની સીમમાં ગુરુવારે સવારે સાવ સામાન્ય કહી શકાય તેવી જમવાની બાબતે ખુદ ભાણેજે તેના મામાનું તથા મામાના પિતરાઇ ભાઇનું ખૂન કર્યું હતું. બાવળ કાપીને ગુજરાન ચલાવતા પરિવાર પાસે ભાણેજ અવારનવાર જમવા આવી જતો હતો, પરંતુ ગુરુવારે મામલે ચકમક ઝરી અને તેણે ધારિયાના ઘા ઝીંકી દઇ ક્રૂરતાપૂર્વક બન્નેની હત્યા કરી નાખી હતી. સમગ્ર મામલામાં મામી વચ્ચે છોડાવવા પડતાં આવેશમાં આવી ગયેલા ભાણેજે તેને પણ ફટકાર્યાં હતાં, જેમાં મહિલાને ઇજાઓ પહોંચી હતી.

સામખિયાળી પોલીસના સબ ઇન્સ્પેક્ટરે વી.જે. જાડેજાએ જણાવ્યું હતું કે, ભચાઉ તાલુકાના જડસા ગામની સીમમાં બાબુ રાયધણ કોલી (35) તેની પત્ની બાલુબેન અને બાબુભાઇનો ફઇનો દીકરો કનુ કરમશી કોલી (27) બાવળ કાપવાનું કામ કરી ગુજરાન ચલાવે છે. બન્ને ભાઇ મજૂરી કરી પોતાનું ગુજરાન માંડ ચલાવી શકતા હતા, ત્યાં બાબુનો ભાણેજ માવજી કાનજી કોલી વારંવાર જમવા માટે આવી જતો હતો. જેમ-તેમ કરીને પોતાનું પેટ ભરતા ભાઇઓને માવજીનું ભરણપોષણ કરવું કઠિન લાગતું હતું. તેવામાં ગુરુવારે સવારે ફરી આરોપી માવજી રખડતો-ભટકતો ભૂખ્યો થતાં મામા બાબુભાઇને ત્યાં ધસી આવ્યો હતો, જ્યાં બન્ને પક્ષે બબાલ થઇ હતી, જેથી ભૂખ્યો આરોપી તુરંત આવેશમાં આવી ગયો હતો અને ધારિયું હાથમાં લઇ બન્ને ભાઇને માથાના ભાગે ઝીંકી દીધા હતા. આરોપીએ એટલો જોરથી હુમલો કર્યો હતો કે, બે પૈકીના એકનું તો સ્થળ પર માથું ફાટી જતાં લોહીની નદીઓ વહી હતી. સમયે મૃતક બાબુભાઇના પત્ની બાલુબેન વચ્ચે પડતાં તેના પર હુમલો કર્યો હતો.

બન્ને ભાઇની અતિ ક્રૂરતાપૂર્વક લોથ ઢાળી આરોપી નાસી છૂટ્યો હતો. હત્યાના બનાવની છેક બપોરે પોલીસને જાણ થઇ હતી, જેને પગલે તાબડતોબ સ્થળ પર દોડી ગઇ હતી અને તપાસ હાથ ધરી છે.