Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
અરુણાચલમાં દેશના સૌથી યુવા CM તરીકે પેમાના શપથ
અરુણાચલપ્રદેશમાં રવિવારે પેમા ખાંડુએ કોંગ્રેસ સરકારના મુખ્યમંત્રી અને ચાઉના મેને પણ નાયબમુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે. સાથે ખાંડુ રાજ્યના 9મા મુખ્યમંત્રી અને દેશના સૌથી યુવાન વર્તમાન મુખ્યમંત્રી બન્યા છે. અગાઉ ઉત્તરપ્રદેશના અખિલેશ યાદવ દેશના સૌથી યુવાન સીએમ હતા.
બંનેને કાર્યવાહક રાજ્યપાલ તથાગત રૉયે રાજભવનમાં શપથ લેવડાવ્યા હતા. ખાંડુ મુખ્યમંત્રી બનતા છેલ્લા કેટલાક સમયથી રાજ્યમાં ચાલતી રાજકીય અસ્થિરતાનો અંત આવ્યો છે.
શનિવારે શક્તિપરીક્ષણ પહેલાં નબામ તુકીએ મુખ્યમંત્રીપદ છોડી દીધું. આથી બળવાખોર ધારાસભ્યોના પુનરાગમન માટે કોંગ્રેસ ધારાસભ્ય પક્ષે બળવાખોરોમાં જોડાયેલા પેમા ખાંડુની નવા નેતા તરીકે પસંદગી કરી હતી. પેમાએ અપક્ષ અને 45 કોંગ્રેસ ધારાસભ્યો સહિત 47 ધારાસભ્યોના સમર્થનનો દાવો કર્યો છે. બદલાતી પરિસ્થિતિમાં બળવાખોર મુખ્યમંત્રી કલિખો પુલ પણ 30 બળવાખોર ધારાસભ્યો સાથે કોંગ્રેસમાં પાછા ફર્યા હતા.
શપથ લીધા બાદ ખાંડુએ કહ્યું કે રાજ્યપાલ જે. પી. રાજખોવાના પુનરાગમન બાદ મંત્રીમંડળનું વિસ્તરણ કરાશે. તેમણે કહ્યું કે પક્ષીય રાજકારણથી ઉપર ઊઠીને બધા અપક્ષ ધારાસભ્યોને વિકાસમાં સહભાગી બનાવાશે.
ખાંડુ ભૂતપૂર્વ મુખ્યમંત્રી દોર્જી ખાંડુના પુત્ર છે. દોર્જી ખાંડુનું 2011માં ત્વાંગમાં હેલિકોપ્ટર અકસ્માતમાં મોત નીપજ્યું હતું.