તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • વિદેશીટ્રોલરોને ડીપ સી ફિશિંગ માટે મંજૂરી આપવાની તંત્રની હિલચાલના

વિદેશીટ્રોલરોને ડીપ સી ફિશિંગ માટે મંજૂરી આપવાની તંત્રની હિલચાલના

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક

વિદેશીટ્રોલરોને ડીપ સી ફિશિંગ માટે મંજૂરી આપવાની તંત્રની હિલચાલના વિરોધમાં સાૈરાષ્ટ્રના માછીમારોએ સોમવારે હડતાળ પાડી તેમની બોટ કિનારે લાંગરી દીધી હતી. જામનગર જિલ્લાના અોખા, પોરબંદર સહિતના વિસ્તારના માછીમારો દ્વારા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. માછીમારોની રોજીરોટી છીનવવાના તંત્ર દ્વારા શરૂ થયેલા પ્રયાસનો વિરોધ કર્યો હતો.

ઓખા બંદરના તમામ માછીમારોએ પોતાની બોટો કાંઠે લંગારી દીધી હતી અને તમામ માછીમારોએ પોતાના વેપારી દંગાઓનું કામકાજ પણ બંધ રાખી વિરોધ પ્રદર્શિત કર્યો હતો ઓખા બંદર પર 3500 જેટલી બોટ કાર્યરત છે. 20 હજાર માછીમારી ખલાસી અને 3 હજાર જેટલા માછીમારી વેપારી ભાઇઓ આંદોલનમાં જોડાયા હતા. તમામે આંદોલનને સહકાર આપ્યો હતો. સાેમવારે ઓખા ફ્રેશફિશ મરચન્ટ બુખારી દક્ષિણ ગુજરાત બોટ એસોસિએશન તથા આેખા બોટ એસોસિએશનના આગેવાનો દ્વારા દ્વારકાના મામલતદારને આવેદનપત્ર આપી વિરોધ પ્રદર્શિત કર્યો હતો.

વેરાવળ, માંગરોળ, ઊનાના નવાબંદર, સૈયદ રાજપરા, કોડીનારના મૂળદ્વારકા, કોટડા સહિતના બંદરો સજ્જડ બંધ રહ્યા હતા. માછીમારી સાથે સંકળાયેલા વ્યવસાયના તમામ લોકોએ વેપાર ધંધા સહિતના કામો બંધ રાખતા આજે દરિયા કિનારે નાની-મોટી બોટના થપ્પા લાગી ગયા હતા.

માછીમારોએ આપેલા બંધના એલાનને પોરબંદરમાં સફળતા મળી હતી. માછીમારો પોતાના કામકાજથી અળગા રહ્યા હતા, તેમજ મત્સ્યોદ્યોગ સાથે જોડાયેલા ધંધાર્થીઓએ પણ રોષભેર બંધ પાડ્યો હતો. ડ્રાયફિશ એસોસિએશન પણ બંધમાં જોડાયો હતો. પોરબંદર માછીમાર બોટ એસોસિએશન દ્વારા કલેક્ટરને એક આવેદનપત્ર પાઠવીને કેન્દ્ર સરકારને વિદેશી ટ્રોલરોને માછીમારીની જે પરવાનગી આપી છે તે રદ કરવાની માગણી કરી હતી, અન્યથા નાના માછીમારો બેકારીના ખપ્પરમાં હોમાઈ જશે. આજે માછીમારોએ બંધ પાડતાં બંદર ખાતે બોટોના ખડકલાં જોવા મળ્યા હતા.

હડતાળ | કેન્દ્રે વિદેશી ટ્રોલરોને માછીમારીની મંજૂરી આપ્યાના વિરોધમાં માછીમારોએ રોષભેર બંધ પાળ્યો