નાઘેરમાં 24 કલાકમાં 8 ઇંચ, જળબંબોળ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મેદાનમાં પાણી ભરાતા શાળા-કોલેજોમાં રજા જાહેર કરી દેવાઈ હતી.

સૂલતાનપુર

સુલતાનપુરમાં મકાનોમાં પાણી ઘુસી જવા પામ્યાં હતા.

સાણાવાકીયા ડેમ

સાણાવાકીયા ડેમ નવા નીરની આવકથી છલકાઈ ગયો હતો.

વેધર રિપોર્ટર | ઊના

ઊના -ગીરગઢડા પંથકમાં મેઘરાજાની તોફાની ઇનીંગ ચાલુ હોય નાઘેર જળબંબોળ બન્યું છે. મચ્છુન્દ્રી, શાહી, રાવલ, માલણ, રૂપેણ સહિતની જંગલ વિસ્તારમાંથી પસાર થતી નદીઓ બે કાંઠે વહેતી થઇ છે. આ વિસ્તારનાં ગામો ભયજનક સ્થિતિમાં મુકાયાં છે. અમોદ્રા, સુલતાનપુરમાં તળાવ ભરાતાં બન્ને ગામ વિખુટા પડયાં છે. દરીયાઇ કાંઠાના માણેકપુર, ખત્રીવાડા પણ સંપર્ક વિહોણા થયાં છે. ગરાળ મંદિર આશ્રમમાં પણ પાણી ધુસી ગયા હતાં. ઉમેજ, નગડીયામાં ત્રણ મકાનો અને દિવાલ ધરાશાયી થઇ હતી. સનખડા, ઉમેજ, સામતેર, કાણકબરડા ,સુલતાનપુર, વાસોંજ, કેસરીયા, કાજરડી, સીમાસી, પાલડી, ચિખલી, ખજુદ્રા, ગાંગડા, દેલવાડા, નવાબંદર, ખાપટ, જરગલી, સહીતના ગામોમાં 6 થી 8 ઇંચ જેટલો વરસાદ વરસતા ઘરોમાં પાણી ધુસી જતાં લોકો હાલાકીમાં મુકાયા હતા. વાજડી ગામે બેઠો પુલ પાણીમાં તણાઇ જતાં શાળાએ જતાં બાળકો ફસાઇ જતાં મહામુસીબતે બચાવાયા હતા. ભારે વરસાદના કારણે નદીઓમાં પુર આવતા અમોદ્રા, સુલતાનપુર, માણેકપુર, દેલવાડા, સૈયદરાજપરા, ખત્રીવાડા, વાજડી ગામના રસ્તાઓ બંધ થઇ જતા વાહન વ્યવહાર અટકી જતાં લોકોને કલાકો સુધી રસ્તા પર વરસતાં વરસાદમાં રહેવું પડયું હતું. આ છ ગામો સંપર્ક વિહોણા બનતા ટીડીઓ, મામલતદાર સહિતનો કાફલો દોડી ગયો હતો. સવારથીજ ભારે વરસાદના કારણે શાળા, કોલેજો સદંતર બંધ રહી અને ગામમાં કરફ્યુ જેવું વાતાવરણ સર્જાયું હતું. દેલવાડામાં મોડી સાંજે ભુતનાથ મંદિર પાસેથી દીવાલ ધરાશાયી થઈ હતી. જાનહાની ટળી હતી.

ભુતડાદાદા

ગરાળમાં ભુતડાદાદા મંદિર આશ્રમમાં પાણી ઘુસી ગયા હતા.

મચ્છુન્દ્રી ડેમ 80 ટકા ભરાતા ઓવરફ્લોની શક્યતાને લઈ 15 ગામોને તંત્ર દ્વારા સાવચેત કરાયા
ગીરગઢડા જંગલમાં આવેલ મચ્છુન્દ્રી ડેમમાં ઉપરવાસથી પાણીની આવક વધતાં હાલનું લેવલ 108 મિટર થયું છે અને ડેમ 80 ટકા ભરાઇ જતાં ગમે ત્યારે ઓવરફલો થઇ શકે છે. જેથી ડેમ નીચે આવતાં કોદીયા, રસુલપરા, દ્રોણ, ઇંટવાયા, ફાટસર, ઝુડવડલી, મેણ, ગુંદાળા, ચાંચકવડ, ઊના, દેલવાડા, કારાપાણ, રાજપરા, જાંખરવાડા, નવાબંદર ગામનાં લોકોને સાવચેત કરાયાં છે. ડેમ પર 8 ઇંચ વરસાદ નોંધાયો છે. તેમજ રૂપેણ ડેમ પણ ઓવરફલો થયો છે. દેલવાડા પાસેથી પસાર થતી મચ્છુન્દ્રી નદી પણ બેકાંઠે વહેતી થઈ છે. તસવીર-જયેશ ગોંધીયા

સનખડા

સનખડા ગામમાં ભારે વરસાદથી ગોઠણડુબ પાણી ભરાયા હતા.

ચાલુ વરસાદે વીજવાયર સળગતા જોવા મળ્યા
સુલતાનપુર અને નાઠેજ રોડ ઉપર આવેલ વાડી વિસ્તારમાં વીજપોલ પર કડાકા ભડાકા સાથે વિજપુરવઠો લીલા વૃક્ષોના કારણે વાયરો ભેગા થતાં સળગી ઉઠ્યા હતા. અને વીજપુરવઠો કલાકો સુધી ખોરવાયો હતો

દર્દીઓ દવાખાના સુધી ન પહોંચી શક્યા, 3 ગાય તણાઈ
ઉનાની નવી વાજડી ગામમાં પ્રવેશ થતાની સાથે બેઠો કોઝવે ધબાય નમઃ થઇ જતા ગામ સંપર્ક વિહોણુ થઇ ગયેલ અને ગામમાં બીમાર લોકો દવાખાના સુધી પહોચી શક્યા ન હતા તેમજ આ કોઝવે પરથી 3 જેટલી ગાયો પણ તણાઇ હોવાના અહેવાલ જાણવા મળી રહ્યા છે.

ખજુદ્રા

ખજુદ્રામાં જાણે કે નદી વહેતી થઈ.

અન્ય સમાચારો પણ છે...