બર્મામાં મોરારિબાપુની રામકથા પૂર્વેની કથા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રી મેના રે બોલે ગઢને કાંગરે/ મેનાને મેકરણ બન્ને એક છે/ તેને તમે જુદા જાણો રે!/ કાયાના કુડારે ભરોસા/ બેઉના જુઠારે ભરોસા!

મોરારિબાપુ ટૂંક સમયમાં બર્મા જેનુ બીજું નામ મ્યાંમાર છે ત્યાં કથા કરવા જઈ રહ્યા છે. 5.1 કરોડની વસતિમાં હવે માત્ર 45000 કે 50000 ગુજરાતી બાકી રહ્યા છે. બર્મામાં જગતમાં સૌથી દુર્લભ આને શુદ્ધ રૂબી પાકે છે. મેં થાઇલેન્ડના બેંગકોક શહેરમાંથી રૂ. 6000ના રૂબી લીધેલો તે બર્માથી આયાત થયેલો હતો. જગતને મળતા રૂબીમાં 90 ટકા રૂબી બર્મામાં પાકે છે. સંસ્કૃતિ, સંસ્કાર અને ઇતિહાસની દૃષ્ટિએ અતિ સમૃદ્ધ એવા એવા બર્મા દેશને આજે સંયુક્ત રાષ્ટ્રસંઘ ગરીબમાં ગરીબ દેશ માને છે, પણ હું માનતો નથી.

હિન્દુસ્તાનમાં કુમારસંભવ કે રામાયણને મહાકાવ્ય મનાય છે તેમ બર્મામાં પણ રામાયણને યમ જાતદોના નામે (Yama Zatdaw) મહાકાવ્ય કહે છે, તે પ્રચલિત છે અને ઘણા બર્માના વૃદ્ધો રાત્રે રામાયણ સાંભળીને સૂએ છે. રામાયણનું નાટક બર્માનાં ઘણાં શહેરો-ગામડામાં હજી ભજવાય છે.

અમેરિકા-યુરોપની કીમતી નંગોનો વેપાર કરતી કંપનીઓ બર્માથી નીલમ અને રૂબી આયાત કરે છે. જગતનું જે કુલ અફીણ પાકે છે, તેમાંથી 25 ટકા બર્મામાં પાકે છે. અફઘાનિસ્તાન પછી બીજા નંબરે બર્મા અફીણનું ઉત્પાદક છે, પરંતુ બર્માની સરકારે ઈન્ટરનેશનલ દબાણથી અફીણની ખેતી બંધ કરાવી છે. છતાં કેટલાક ભ્રષ્ટ ઓફિસરો ઘણા છૂપેછૂપે અફીણની ખેતી કરાવે છે કેટલાક ખેડૂતો હવે મજૂર બની ગયા છે, પણ ‘બળવાન’ ખેડૂતો અફીણ પકવે છે, પણ રંગૂનથી 200 કિલોમીટર દૂર માંડલેમાં રૂબીની ખાણો છે. તેને વેલી ઓફ રૂબીઝ કહે છે.

એક જમાનામાં બર્મામાં ગુજરાતીઓનો હાકો પડતો, પણ પછી ગુજરાતીઓમાંથી ઘણા આડા રસ્તેથી કમાવા માંડ્યા. એટલે ગુજરાતીઓને ત્યાંની મિલિટરી સરકારે કાઢ્યા. એમ છતાં કેટલાક ‘પ્રતિષ્ઠાવંત’ ભારતીઓ અને ગુજરાતીઓ બાકી રહ્યા છે. સૌથી વધુ વિપશ્યના નામની મેડિટેશનની સિસ્ટમ ત્યાં ગોએન્કાએ પ્રચલિત કરી છે. બર્મામાં પર્યાવરણ હજી બહુ બગડ્યું નથી. 40 ટકા ભૂમિ જંગલો, ઝાડીઓ, પ‌ર્વતો, સરાવરો અને ઝરણાથી ભરપૂર છે.

પત્રકાર તરીકે જે વિષય વિશે કે દેશ વિશે વધુ પડતું જાણીએ તો મોટી મૂંઝવણ થાય છે. ગાગરમાં સાગર સમાવવા જેવી વાત છે અને મારી મહુવાની કર્મભૂમિ અને સંસ્કારભૂમિના પાડોશી- મોરારિબાપુને ધ્યાનમાં રાખીને તેને થોડુક ઉપયોગી થવા લખવાનું છે. એટલ પત્રકારની સહેલી રીત અજમાવીને ત્રુટક ત્રુટક માહિતી આપુ છું:

{ ચોપન વર્ષ પહેલાં પત્રકાર બન્યા પહેલાં હું પિનાંગમાં મારા કાકાની પેઢીમાં નિકાસ મેનેજર હતો, ત્યારે રંગૂન અને માંડલ શહેરના ખોજા, મુસ્લિમ, કપોળ અને જૈન આયાતકાર વેપારીઓને પિનાંગના મુક્ત બંદરથી સીંગતેલ, સાબુદાણા, કોપરેલતેલ, જાયફળ, જાવંત્રી કે સોપારી બર્મામાં નિકાસ કરતો.

{ બર્મામાં આજે બહુ ઓછા ગુજરાતી છે. પણ 60 વર્ષ પહેલાં આનાથી અનેક ગણા ગુજરાતી વેપારી હતા. પરંતુ પછી બર્મામાં સમાજવાદી સરકાર આવી એટલે ધૂમ નફાખોરી કરનારા વેપારીઓને સરકારે કાઢ્યા. આયાત વેપારનું રાષ્ટ્રીયકરણ કર્યું.

{ બર્માને મિલિટરી ઓફિસરોએ લૂંટ્યું પણ બીજી રીતે બર્માના લોકોને જ્યોતિષીઓએ લૂંટ્યા. બર્મીઝ લોકો જ્યોતિષમાં બહુ માને છે. દા.ત. જ્યારે તમારા ઘરની સામે જમીનમાંથી લાલરંગની કીડીઓ - સફેદ રંગની કીડીઓ સાથે સાગમટે નીકળીને લડાઈ કરે, ત્યારે કુટુંબમાં ક્લેશ થાય તેવું મનાય છે!

{ હું બર્મા ગયો ત્યારે બર્માના વડાપ્રધાન/ પ્રમુખ જનરલ નેવિન 78ની ઉંમરે પણ વહેમોમાં માનતા તે જોયું. જનરલ નેવિનનો પણ પોતાનો સ્ટેટ જ્યોતિષી હતો. અમુક જ્યોતિષી કહેતા કે જંગલના અમુક પ્રાણીના લોહીથી સ્નાન કરવાથી આવરદા વધે છે!

{ બર્માની મારી મુલાકાત વખતે તે દેશનું સૃષ્ટિ સૌંદર્ય હતું તેને આજે ઉદ્યોગોએ બગાડ્યું છે. શહેરો પ્રદૂષિત થયાં છે, પણ હજી 46થી 47 ટકા ગ્રામીણ કે અર્ધગ્રામીણ શહેરો- ગામડાં બર્માનાં જંગલોની શુદ્ધ હવા લે છે. જે પ્રદૂષણ વગરનું 47 ટકા બર્મા છે તેને જોઈ આવે. બર્મીઝ લોકો હિન્દી થોડું જાણે છે. મોરારિબાપુ અંગ્રેજીમાં રામકથા કહી શકતા નથી. એમ છતાં શ્રદ્ધાળુ બર્મીઝ લોકો રામકથાનું નામ સાંભળીને કોઈ પણ માધ્યમ દ્વારા મોરારિબાપુની રામકથા સાંભળી લેશે તેમ હું માનું છું.

અન્ય સમાચારો પણ છે...