રીગનો ટાવર LPGના બાટલા પર પડતા શિપમાં થયો બ્લાસ્ટ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અલંગ શિપબ્રેકિંગ યાર્ડમાં બાજુના પ્લોટમાં લાંગરેલા જહાજમાંથી ટાવર અચાનક પડતા પ્લોટ નં.7માં ભંગાઇ રહેલા જહાજમાં રાખવામાં આવેલા એલપીજીના બાટલા પર પડતા થયેલા બ્લાસ્ટ બાદ સમગ્ર જહાજ આગની જ્વાળામાં લપેટાઇ ગયુ હતુ અને બપોરે લાગેલી આગ મોડી રાત સુધી ભભૂકી રહી છે. જો કે જહાજ પર કાર્યરત 7 કર્મચારીઓને શિપના પાછળના ભાગેથી હોડી દ્વારા સલામત રીતે ઉતારી લેવામાં આવતા જાનહાની ટળી હતી.

સોમવારે બપોરે 12:17 કલાકે પ્લોટ નં.8 (ઘાંસીરામ ગોકળચંદ) માં તા.14 જાન્યુઆરીના રોજ બીચ થયેલી અને હાલ ભંગાઇ રહેલી 6572 મેટ્રિક ટન વજન ધરાવતી રીગ એગરોનો એક વિશાળકાય ટાવર આજે કટિંગ કામગીરી દરમિયાન પડ્યો હતો અને પ્લોટ નં.7 (નગરશેઠ શિપબ્રેકર્સ)માં તા.6/10/2017ના રોજ બીચ થયેલા 6743 મેટ્રિન ટનના રીફર જહાજ બ્રાઝિલિયન રીફર ઉપર કટિંગ કામગીરી માટે રાખવામાં આવેલા એલપીજીના બે બાટલા પર ખાબક્યો હતો, અને તુરત જ એલપીજીના બાટલામાં બ્લાસ્ટ થયો હતો.

આંખના પલકારામાં પ્લોટ નં.7માં ભંગાઇ રહેલા રીફર જહાજમાં સામેલ થર્મોકોલ, લાકડુ અને ગ્લાસવૂલ સળગવા લાગ્યુ હતુ. દરમિયાન સાવચેતી રાખી અને રીફર જહાજ પર કાર્યરત 7 કર્મચારીઓને જહાજના પાછળના ભાગેથી હોડી દ્વારા સલામત રીતે ઉતારી લેવામાં આવતા કોઇ જાનહાની થઇ ન હતી. આગના ધૂમાડા આજુબાજુના 15 કિ.મી.ના ગામોમાં દેખાયા હતા, અને લોકો ચિંતાભરી પુછપરછ કરી રહ્યા હતા.

એક ગાળો બૂજાવીએ, ત્યાં બીજો સળગે છે
પ્લોટનં.8માં ભંગાઇ રહેલી રીગનો ટાવર પ્લોટ નં.7ના કટિંગ થઇ રહેલા જહાજના એલપીજીના બાટલા પર પડ્યો હતો અને આગ ફાટી નિકળી હતી, એક ગાળાની આગ બૂજાવીએ છીએ ત્યાં બીજો ગાળો સળગવા લાગે છે, વહેલી સવાર સુધી આગ કાબૂમાં આવે તેવુ લાગતુ નથી. પી.ડી.વ્યાસ, ચિફ ફાયર ઓફિસર, ગુજરાત મેરિટાઇમ બોર્ડ, અલંગ

અન્ય સમાચારો પણ છે...