તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શહેરમાં વહેલી સવારે 45 મિનિટમાં દોઢ ઇંચ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વેધર રિપોર્ટર | ભાવનગર |10 જૂન

ગોહિલવાડપંથકમાં બે દિવસથી મેઘાના મંડાણ થયા છે અને આરંભે સાર્વત્રિક વરસાદથી ગોહિલવાડના પ્રજાજનો ખુશખુશાલ થઇ ગયા છે. તળાજા પંથકમાં ગઇ કાલે રાત્રે અને આજે વહેલી સવારે અનરાધાર વરસાદ ખાબક્યો હતો અને ઠેર ઠેર 2થી 3 ઇંચ વરસાદ વરસી જતા જનહૈયે ટાઢક પ્રસરી વળી હતી. વરસાદથી તળાજી નદીમાં ઘોડાપુર આવતા પાણીના ધસમસતા પ્રવાહથી કોઝવેની ર.લિંગ તોડીને પાણી પૂલની ઉપરથી વહેવા લાગ્યા હતા. ઘોઘામાં ગઇ કાલે બે ઇંચ બાદ આજે પણ બે ઇંચ વરસાદ ખાબકી ગયો હતો તો મહુવામાં સવા ઇંચ, ભાવનગર શહેરમાં દોઢ ઇંચ અને જિલ્લાના અન્ય વિસ્તારોમાં અડધાથી એક ઇંચ જેટલો વરસાદ વરસી ગયો હતો. સાર્વત્રિક વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી વળી છે.

ભાવનગર શહેરમાં આજે વહેલી સવારે પાંચેક વાગ્યા આસપાસ ધીંગી ધારે વરસાદ વરસવો શરૂ થયો હતો અને માત્ર પોણી કલાક જેવો સમયગાળામાં દોઢ ઇંચ વરસાદ વરસી જતા શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતા. જેથી વહેલી સવારે શાળાએ જતા ભુલકાઓને ભારે પરેશાનીનો સામનો કરવો પડ્યો હતો. ભાવનગરમાં આજે પણ વરસાદ આવતાની સાથે વીજળી ગુલ થઇ ગઇ હતી. ઘણા વિસ્તારોમાં તો દોઢ ઇંચ વરસાદમાં ગોઠણસમાણ પાણી ભરાઇ ગયા હતા. આજે સવારના ધોધમાર વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી વળી હતી.

તળાજા પંથકમાં રાત્રે અને આજે વહેલી સવારે નેવાધાર વરસાદ વરસતા ઠેર ઠેર 2થી 3 ઇંચ વરસાદ વરસી જતા તાલુકામાં વાવણીકાર્યનો આરંભ થઇ ગયો છે. તળાજી નદી બે કાંઠે વહેતી થઇ હતી અને તળાજાના ભીડભંજન મહાદેવ મંદિર પાસેના બેઠા પૂલની રેલીંગ તોડીને પૂલ ઉપરથી નદીના પાણી વહેતા થઇ ગયા હતા. મહુવા શહેરમાં આજે ચોમાસાની સિઝનમાં પહેલા વરસાદમાં બે ઇંચ જેટલો વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગયેલ હતી.

ઘોઘામાં આજે પણ વહેલી સવારે ગઇ કાલની જેમ બે ઇંચ વરસાદ વરસી જતા પ્રજાજનોના હૈયે આનંદ વ્યાપી ગયો હતો. સિહોરના ગામડાઓમાં ગઇ કાલ રાથી વરસાદ વરસવો શરૂ થયો હતો અને ભાંખલ અને થાળા ગામે દોઢથી બે ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો. ઉપરાંત ઉમરાળા, પાલિતાણા, સિહોર શહેર, વલ્લભીપુર, જેસર અને તેની આસપાસના વિસ્તારોમાં ભારે ઝાપટાથી લઇને અડધા ઇંચ સુધી વરસાદ વરસી ગયાના વાવડ છે.

ભાવનગરમાં તાપમાનમાં 3.5 ડિગ્રીનો ઘટાડો

ભાવનગરશહેરમાં આજે વહેલી સવારે દોઢ ઇંચ વરસાદ વરસી જતા ઠંડક પ્રસરી વળી હતી અને આજે બપોર મહત્તમ તાપમાન 24 કલાકમાં 3.5 ડિગ્રી સેન્ટીગ્રેડ ઘટીને 33.4 ડિગ્રી સેન્ટીગ્રેડ થઇ જતા ગરમીમાં તદ્દન રાહતનો અનુભવ થયો હતો. આવી રીતે લઘુત્તમ ઉષ્ણતામાન પણ ચારેક. ડીગ્રી સેન્ટીગ્રેડ ઘટીને 24.2 ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધાયું હતુ.

મહુવામાંડુંગળીના 22 હજાર થેલા પલળી ગયા

આજેસવારે અચાનક પડેલ વરસાદના કારણે મહુવા માર્કેટ યાર્ડમાં હરરાજી માટે લાવવામાં આવેલ સફેદ અને લાલ ડુંગળીના 22 હજાર થેલા પલળી જવાથી ખેડુતોને નુકશાની વેઠવી પડી હતી.

તસવીર - અજય ઠક્કર

તળાજા પંથકમાં 3 ઇંચ વરસાદથી નદી નાળા છલકાયા, મહુવામાં અને ઘોઘામાં બે-બે ઇંચ વરસાદ

મેઘમહેર | સિહોરના ભાંખલમાં બે ઇંચ વરસાદ : પાલિતાણા અને ઉમરાળામાં હળવા ભારે ઝાપટા

અન્ય સમાચારો પણ છે...