વઢવાણ કોર્ટમાં મુદતે બાવો બનીને આવ્યો ફરિયાદી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક

જીવના જોખમના ભય સાથે વઢવાણ કોર્ટમાં બાવો બનીને ફરિયાદી મનીષ ધોળકીયા આવતા આશ્ચર્ય સાથે રમૂજ ફેલાઇ હતી. મનીષભાઈના ઘરમાં આવેલા ચાંદીના મઢ સહિત માતાજીને લઇ જવા બાબતે વઢવાણ કોર્ટમાં દિવાની કેસ ચાલે છે. ત્યારે મુદતે આવેલા આ ફરિયાદીને કપડા બદલાવીને જજ સમક્ષ અંતે રજૂ કરાયો હતો. બીજી તરફ આ ફરિયાદીએ જોખમ વચ્ચે પણ કોઇ પોલીસ રક્ષણ ન માંગ્યુ હોવાનું બહાર આવ્યુ હતું.

વઢવાણ માળીવાડમાં રહેતા મનીષભાઈ કનૈયાલાલ ધોળકીયાના ઘરમાં અંબાજી અને મહાકાળી માતાજીનો ચાંદીનો મઢ આવેલો છે. પરંતુ મનીષભાઈના કૌટુંબિકજનોને આ મઢ સહિત માતાજીને લઇ જવા માંગતા હતા. જેના કારણે મનીષભાઈએ તેમના વિરૂદ્ધ વઢવાણ કોર્ટમાં કેસ કર્યો હતો જે દિવાની કેસ ઘણા સમયથી ચાલી રહ્યો છે. જેના કારણે વારંવાર પડતી મુદતના સમયે તેઓ વઢવાણ કોર્ટમાં હાજર થતા હતા. પરંતુ તા. 27-2-2018ને મંગળવારે મુદત હોવાથી તેઓને હાજર થવાનું હતુ. પરંતુ વઢવાણ કોર્ટમાં તેઓ બાવાના વેશમાં આવતા લોકો આશ્ચર્યમાં મૂકાઇ ગયા હતાં. આ અંગે મનીષભાઈએ જણાવ્યું હતું કે, આ કેસના આરોપીઓ માથાભારે હોવાથી મને મારા જીવનું જોખમ લાગ્યુ હતું. અને કોર્ટમાં પણ હાજર થવુ જરૂરી હતું. પોલીસ તેની કામગીરી કરી રહી છે. તેમ છતાં મારે બાવાના કપડાઓ પહેરીને કોર્ટમાં આવવુ પડયુ હતું. જો કે, પોલીસ સહિતનાઓએ સમજાવતા આ વેશ બદલીને સાદા કપડાઓમાં કોર્ટમાં જજ સામે ગયો હતો.

પોતાના જીવનું જોખમ હોવાના ભયથી ફરિયાદી વઢવાણ કોર્ટમાં બાવાના કપડા પહેરીને આવતા લોકોમાં આશ્ચર્ય ફેલાયુ હતું. જ્યારે જેના માટે દિવાની કેસ ચાલી રહ્યો છે તે મનીષભાઈ ધોળકીયાના મકાનમાં આવેલ માતાજી અને મંદિર. તસવીર-પ્રવિણ સોલંકી

હુમલો કરનાર સાત શખ્સોની પોલીસે ધરપકડ કરી
સુરેન્દ્રનગર-વઢવાણ રોડ પીજીવીસીએલની ઓફિસ આગળ રોડ પર થોડા દિવસો પહેલા જ માતાજી લઇ જવા અને કોર્ટ કેસ પાછો ખેંચી લેવાની ધમકી સાથે મનીષભાઈ ઉપર હથિયારોથી હુમલો થતા પોલીસ ફરિયાદ નોંધાઇ હતી. આથી પી.એસ.આઈ. વી.બી.કલોત્રા સહિતની ટીમે આ બનાવમાં યોગેશભાઈ હરજીવનભાઈ ધોળકીયા, વિષ્ણુભાઈ કુબેરભાઈ ધોળકીયા , મેહુલભાઈ વિષ્ણુભાઈ ધોળકીયા, વિરાંગભાઈ વિષ્ણુભાઈ ધોળકીયા, ભરતભાઈ પ્રેમજીભાઈ ધોળકીયા, રાજુભાઈ પ્રેમજીભાઈ ધોળકીયા, કૌશલભાઈ યોગેશભાઈ ધોળકીયાની ધરપકડ કરી હતી.