• Gujarati News
  • પાણી અને કેરીના વેપારીઓ પર ફૂડ વિભાગના દરોડા

પાણી અને કેરીના વેપારીઓ પર ફૂડ વિભાગના દરોડા

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગરજિલ્લામાં ઉનાળાના સમયે પાણી અને કેરીનો ધંધો ફૂલ્યો ફાલ્યો છે. ત્યારે ફૂડ વિભાગની ટીમે સુરેન્દ્રનગરમાં મીનરલ વોટરના પ્લાન્ટ પર દરોડા કરીને 4 સ્થળોએથી પાણીના પાઉચના નમૂના લીધા હતા. જયારે શહેરની મુખ્ય શાક માર્કેટ પાસે કેરીના વેપારીઓના ગોડાઉનમાં દરોડો કરીને 5 હજાર કિલોથી વધુ કાર્બાઇડથી પકવાતી કેરીનો નાશ કરતા વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે.

શહેરમાં ઠેરઠેર વેચાતા પાણીના પાઉચ આરોગ્ય માટે હાનીકારક હોવાની રાવ ઉઠી હતી. આથી ફૂડ વિભાગના ઓફિસર જે.એન.સોનીની સૂચનાથી ઇન્સપેકટર સી.કે.નીમાવત, ભાવીકાબેન પટેલ, કે.બી.ગોહિલ, એન.ઓ.વાઘેલા સહિતનાઓએ રાજકોટ રોડ પર આવેલ 8થી વધુ મીનરલ વોટરના પ્લાન્ટ પર દરોડા કર્યા હતા. જેમાં સંજીવની પેકેજ ડ્રીકીંગ વોટરમાંથી જીલ બ્રાન્ડના પાઉચ, જે.એસ.માર્કેટીંગમાંથી હાઇટેક બ્રાન્ડના પાઉચ, ધ્યેય મીનરલ વોટરમાંથી બ્રેવો બ્રાન્ડના પાઉચ તથા ભાગ્યલક્ષ્મી બેવરેજીસમાંથી મી. વોટર બ્રાન્ડના પાણીના પાઉચના શંકાસ્પદ નમૂના લેવાયા હતા. પાણીના પાઉચના નમૂના વડોદરા ખાતેની લેબોરેટરીમાં મોકલી અપાયા છે. જયારે સુરેન્દ્રનગર શહેરની મુખ્ય શાક માર્કેટ, ધ્રાંગધ્રાના ઉતારા સહિતના વિસ્તારમાં આવેલ કેરીના 12થી વધુ ગોડાઉન પર દરોડા કરાયા હતા. જેમાં બાપા સીતારામ ફ્રૂટ સેન્ટર, ચામુંડા ફ્રૂટ સ્ટોલ, સહજાનંદ આલુ ભંડાર, આબીદભાઇ મકવાણાની દુકાન, મહાવીર ફ્રૂટ સેન્ટર, મે. પરમાર એન્ડ કંપની સહિતનાઓની દુકાનેથી કાર્બાઇડથી કેરી પકવાતી હોવાનું ધ્યાને આવ્યુ હતુ. તમામ વેપારીઓને ત્યાંથી અંદાજે 25 હજારથી વધુ કિંમતની 5 હજાર કિલો કેરી તથા રૂપિયા 2500ની કિંમતના 48 કિલોથી વધુ કાર્બાઇડના જથ્થાનો નાશ કરાયો હતો.

કાર્બાઇડથી પકવાતી 5 હજાર કિલોથી વધુ કેરીનો નાશ કરાયો

ચેકિંગ | ચાર સ્થળોએથી મિનરલ વોટરના પાઉચના સેમ્પલ લેવાયાં