વઢવાણ પાલિકાના સાધનોનો બેફામ ઉપયોગ થતા હોવાનો વિડીયો વાયરલ
વઢવાણ પાલિકાના સાધનોનો બેફામ ઉપયોગ થતા હોવાનો વિડીયો વાયરલ થતાં શહેરની જનતા આશ્ચર્યચક્તિ બની ગઇ છે. કારણ કે ડોર ટુ ડોર ફરીને પાલિકાની સ્કોર્પિયો ગાડી લોકોનાં ઘેર સુધી કચરો ઉઘરાવવા પહોંચી જતાં તેમજ મેદાનમાં કચરા સાથે જોવા મળતા શહેરમાં આ ઘટના ટોક ઓફ ધ ટાઉન બની છે.
વઢવાણ નગરપાલિકામાં કરોડો રૂપિયાના સાધનો વસાવવાની સાથે શહેરમાં ફરી રહ્યા છે. બીજી તરફ શહેરની શેરીઓ, ગલ્લીઓ અને સોસાયટીઓમાં કચરા સાથે ગંદકી ન થાય તે લીલા-સૂકા કચરા માટે 18000 જેટલા ડસ્ટબીનોનું વિતરણનું પાલિકા તંત્ર દ્વારા આયોજન ચાલી રહ્યુ છે. આવા સમયે અંદાજે 2008માં ખરીદાયેલી પાલિકાની સ્કોર્પિયો ગાડીને કચરો ઉઘરાવવા માટે લોકોના ઘરે ઘરે ફેરવવામાં આવતા લોકો પણ દંગ રહી ગયા હતાં. લાખોની કિંમતની આ ગાડીમાં એક સમયે પ્રમુખ જેમાં બેસતા તે ગાડીનો આવો ઉપયોગ થતો હોવાની વિડીયો વાયરલ થતા શહેરમાં ચકચાર ફેલાઇ છે. બીજી તરફ ઘટનાના પગલે પાલિકા તંત્ર તેમજ ગેરેજ વિભાગ, સેનેટિશન વિભાગમાં દોડધામ મચી ગઇ છે. આ અંગે વઢવાણ પાલિકાના ગેરેજ સમિતિના ચેરમેન નર્મદાબેન દિનેશભાઈ ચૌહાણે જણાવ્યુ હતુ કે, આ બાબતે અમને કોઇ જાણકારી નથી.