સુરેન્દ્રનગર શહેરમાં દબાણો હટાવો ઝુંબેશ સોમવારે પણ જારી રહી
સુરેન્દ્રનગર શહેરમાં દબાણો હટાવો ઝુંબેશ સોમવારે પણ જારી રહી હતી. પાલીકાની ટીમ અને પોલીસે જેસીબી અને ટ્રેકટર સહિત મેળાના મેદાનથી ટીબી હોસ્પીટલ સુધીમાં 100થી વધુ દબાણો દૂર કર્યા હતા. જેમાં ટીબી હોસ્પિટલ સામે આવેલ પોલીસ ચોકી પર પણ બૂલડોઝર ફેરવી દેવાયુ હતુ.
સુરેન્દ્રનગર શહેરમાં ઠેરઠેર દબાણોનો રાફડો ફાટયો છે. પાલીકા તંત્ર દવારા અનેકવાર આવા દબાણો હટાવવાની કામગીરી કરવામાં આવે છે. પરંતુ ફરી પાછા તે જ જગ્યાએ દબાણો થઈ જતાં હોય છે. ત્યારે જિલ્લા કલેક્ટર ઉદિત અગ્રવાલે શહેરના જાહેર રસ્તાઓ પર ટ્રાફિકને અડચણરૂપ દબાણો હટાવવાની સુચનાઓ આપતા પાલિકાની ટીમે દબાણ હટાવ ઝુંબેશ શરૂ કરી છે.
જેમાં સોમવારે એ.એ.પંજવાણી, કયવંતસિંહ હેરમા, વિજયસિંહ સહિતનાઓની હાજરીમાં દબાણો હટાવવાની કાર્યવાહી કરાઇ હતી. જેમાં સૌ પ્રથમ શહેરના મેળાના મેદાનની અંદર ગેરકાયદેસર રીતે કેબીન અને લારી મૂકી વ્યવસાય કરતા દબાણકારોના દબાણ પર બૂલડોઝર ફેરવી દેવાયુ હતુ. ત્યારબાદ મેળાના મેદાનથી લઇ ટીબી હોસ્પિટલ સુધીમાં 100થી વધુ દબાણો દૂર કરાયા હતા.
જયારે ટીબી હોસ્પીટલ સામે જૂના જકાતનાકા બાદ હાલમાં પોલીસ ચોકી રસ્તાની વચ્ચે હોવાથી તેને પણ તોડી પડાઇ હતી. પાલીકાના ટીમ દ્વારા મંગળવારે 80 ફૂટ રોડ અને બસ સ્ટેશન રોડ પર દબાણ હટાવવાની કાર્યવાહી કરવામાં આવનાર હોવાનું જાણવા મળ્યુ છે.