• Gujarati News
  • Local
  • Gujarat
  • Surendranagar
  • શાળાએ છૂટ્યા બાદ ઘેર પહોંચીએ ત્યારે માતા પિતાને શાંતિ થાય છે : બાળકો

શાળાએ છૂટ્યા બાદ ઘેર પહોંચીએ ત્યારે માતા-પિતાને શાંતિ થાય છે : બાળકો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

વઢવાણ શહેરમાં શાળાઓ પાસેથી જ યમદૂત સમાન ડમ્પરોની અવરજવર વધી છે. ત્યારે શહેરની 8 થી વધુ શાળાઓના બાળકો જીવના જોખમે અભ્યાસ કરી રહ્યાં છે. રોષ ભરાયેલા શિક્ષકો, વાલીઓ અને રહીશોએ ડમ્પર રોકો અને આ રસ્તેથી ભારે વાહનો બંધ કરાવોના સૂત્રોચ્ચારો કર્યા હતાં.

વઢવાણ રેલવે સ્ટેશન મેળાના મેદાનથી લઇને છેક ખાંડીપોળ, સ્વામીનારાયણ મંદિર અને ધોળીપોળ સુધીમાં નાતાલીયા બાલમંદિર, જવાહર પ્રાથમિક શાળા, એલ.એમ.શેઠ ઉચ્ચ પ્રાથમિક શાળા, એમ.યુ.શેઠ ગર્લ્સ હાઇસ્કૂલ, એમ.ટી.દોશી હાઇસ્કૂલ, પ્રાથમિક શાળા નં. 3, લાડકીબાઇ કન્યા શાળા, ન્યાલકરણ વિદ્યામંદિર વગેરે શાળાઓ આવેલી છે. આ તમામ શાળા પાસેથી દિવસ દરમિયાન મોટી સંખ્યામાં ડમ્પરો સહિતના હેવી વાહનો પસાર થાય છે. જેના કારણે વાલીઓ અને શાળાગણ લાલઘૂમ બની ગયા હતા અને રસ્તા પર જ ઉતરી જઇને ડમ્પરો રોકો, ભારે વાહનો બંધ કરાવોના સૂત્રોચ્ચારો કર્યા હતા. જ્યારે આવા હેવી વાહનો શાળા પાસેથી ન જતા રેલવે સ્ટેશનથી ધરમતળાવ થઇ કોઝવે જીઆડીસી વિસ્તારમાંથી પસાર થઇને જાય તેવી માંગ કરાઇ હતી.

ડમ્પરો રોકવા શાળાના કર્મીઓ, વાલીઓ અને રહીશો સાથે નાના બાળકો પણ રસ્તા પર આવી ગયા હતાં. તસવીર-પ્રવિણ સોલંકી

આ જ રસ્તા વિદ્યાર્થી સહિત ચાર લોકોને ડમ્પરો ભરખી ગયા : રહીશો
કિશોરભાઈ, હર્ષદભાઈ, અશોકભાઈ વગેરે જણાવ્યું કે, દરરોજ અંદાજે 250થી વધુ ડમ્પરો આવ-જા કરે છે. જેના કારણે વિદ્યાર્થીઓ અને રહીશોના જીવનું જોખમ થયુ છે. અગાઉ પણ આ રસ્તા પર એક વિદ્યાર્થી સહિત ચાર લોકોના ડમ્પરના કારણે મોત થયા હતાં.

રસ્તા પરની શાળામાં ભણતા 2027 બાળકોના વાલીઓ હાલમાં થરથરે છે
આ રસ્તા પરથી આવેલી શાળાઓમાં અંદાજે 2027 બાળકો અભ્યાસ માટે આવે છે. ત્યારે રસ્તા પર જ ડમ્પરો બેફામ રીતે પસાર થતા આ બાળકોનાં વાલીઓ હાલમાં પણ થરથરી રહ્યાં છે.

શાળા સામે બેઠેલી વાછરડી ઉપર ડમ્પર ચડી જતા મામલો બિચક્યો
વઢવાણ દાજીપરા વિસ્તારની શાળા સામે જ એક વાછરડી ઉપર ઓવરલોડ ડમ્પર ચડી ગયુ હતું. જેમાં વાછરડીને ગંભીર ઇજા પહોંચી હતી. આ બાબતની જાણ વોર્ડના સભ્ય વિક્રમસિંહ ડોડીયા દ્વારા એનિમિલ લર્વસ ગ્રૂપના મેમ્બરને કરી હતી. આથી મેહુલ માવાણી, દર્શન સોની, શિવમ કતીયા વગેરે દોડી આવી ઇજાગ્રસ્ત પશુની સારવાર કરી હતી.

અન્ય સમાચારો પણ છે...