અઠવાડિયામાં સમસ્યાનો નિકાલ કરવામાં નહીં આવે તો ચક્કાજામ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સુરેન્દ્રનગરના આંબેડકરનગર-ર વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી પીવાના પાણી તથા ગટરની અનિયમીત સફાઇથી રહીશો ત્રસ્ત થઇ ગયા છે. ત્યારે યુવાનોએ પાલિકા કચેરીમાં હલ્લાબોલ કરીને ચીફ ઓફિસરને રજૂઆત કરી એક અઠવાડીયામાં સમસ્યાનો નિકાલ નહી આવે તો શહેરમાં રસ્તા ચક્કાજામ કરવા ચીમકી આપી હતી.

સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં થતા સુવિધાના કામો લોકો માટે દુવિધા સમાન બની ગયા હોય તેમ ઠેરઠેર સમસ્યાઓની હારમાળા સર્જાઇ છે. આવા સમયે મંગળવારે આંબેડકરનગર-રના યુવાનો પાલિકા કચેરીએ ધસી આવ્યા હતા.

કચેરીની લોબીમાં જ અડધો કલાકથી વધુ સમય બેસીને પાલિકા હાય હાય..ના સૂત્રોચ્ચારો પોકાર્યા હતા. ગટરની સફાઇ, પીવાનું પાણી, નિયમીત સફાઇની માંગ સાથે આવેલા યુવાનોને ચીફ ઓફિસર દર્શનસિંહ ચાવડાએ ખુદ બહાર આવીને એક અઠવાડીયામાં કામ પૂરા કરવાની ખાત્રી આપી હતી.

આથી ચંદુભાઇ વાળા, પ્રવીણ પરમાર, રાજુભાઇ ગોહિલ સહિતનાઓએ જો એક અઠવાડીયામાં પ્રશ્નનો હલ નહી આવે તો શહેરનો મુખ્ય રસ્તો ચક્કાજામ કરવાની ચીમકી આપી હતી. આ સમયે શહેરના ટાંકીચોક વિસ્તારમાં રહેતી મહિલાઓનું ટોળુ પણ પાલિકા કચેરીએ ધસી આવ્યુ હતુ. મહિલાઓએ છેલ્લા 20 દિવસથી પીવાનું પાણી ન આવતુ હોવાની ઉગ્ર રજૂઆત કરી હતી. સુધરાઇ કચેરીમાં એક સાથે બે વિસ્તારના લોકો રજૂઆત કરવા આવતા થોડા સમય માટે ગરમાવો ફેલાઇ ગયો હતો.

નગરપાલિકા કચેરીમાં ચીફ ઓફિસરને રજૂઆત કરી સમસ્યાનો નિકાલ નહી આવે તો ચક્કાજામની ચીમકી આપી હતી. તસવીર-વિપુલ જોષી

અન્ય સમાચારો પણ છે...