માટેલથી લીફટ આપી માતા અને દિકરીને લૂંટનાર માથકથી ઝડપાયો

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મોરબીજિલ્લાના માટેલ નજીક જામસર ચોકડી પાસે ઉભેલી માતા અને પુત્રીને અમદાવાદના કારચાલકે લીફટ આપી હતી. પરંતુ બન્નેએ પહેરેલા ઘરેણા જોઇ દાનત બગડતા ચાલકે ઘરેણાની લૂંટ ચલાવી હતી. પરંતુ કડીયાણા અને માથક ગામના લોકોની જાગૃતતાની કાર લઇને ભાગતા શખ્સને માથક જવાના રસ્તે રાયધ્રા ગામ પાસેથી ઝડપીને બરોબરનો મેથીપાક ચખાડયો હતો.

બનાવ અંગે પ્રાપ્ત વિગતો મુજબ મૂળ વાંકાનેર તાલુકાના મકતાનપર ગામના માતા રંજનબેન કરશનભાઇ ભરવાડ અને તેમની 3 વર્ષની પુત્રી હંસીકા સાથે જામસર ચોકડી પાસે પોતાના પિયર જાંબુડીયા જવા માટે વાહનની રાહ જોઇને ઉભા હતા. ત્યારે મૂળ અમદાવાદના બોપલમાં રહેતા મનીષ બળદેવભાઇ પટેલે કાર તેમની પાસે ઉભી રાખી હતી. અને જાંબુડીયા તરફ આવવુ હોય તો બેસી જવા જણાવ્યુ હતુ. માતા અને પુત્રી ભોળા ભાવે ગાડીમાં બેસી ગયા હતા. પરંતુ બન્નેએ પહેરેલા ઘરેણા જોઇને ચાલક મનીષ બળદેવભાઇ પટેલની દાનત બગડી હતી. એકલતાનો લાભ લઇ ચાલકે માતા-પુત્રીના ઘરેણાની લૂંટ ચલાવી હતી. જેમાં પુત્રીને કારની સીટની નીચે બેસાડી માતાને છરી બતાવી ઘરેણા આંચકી લીધા હતા. પ્રતિકાર કરવાનો કોઇ રસ્તો જણાતા બન્ને માતા-પુત્રી કારમાં બેસી રહ્યા હતા. દરમિયાન કડીયાણા ગામ આવતા કેટલાક લોકો રસ્તા પર ઉભા હતા. તેમને જોઇ કારમાંથી બન્નેએ બૂમો પાડતા કાંઇક અજુગતુ બન્યુ હોવાનું વિચારી ગ્રામજનોએ કારનો પીછો કર્યો હતો. આથી ફફડી ઉઠેલા ચાલક મનીષ બળદેવભાઇ પટેલે કાર કડીયાણાથી ચરાડવા, માંડલ, રાતાભે, માથક, ચૂંપણી સહિતના ગામો તરફ ફટાવી હતી. પરંતુ વાત વાયુવેગે ફેલાતા દરેક ગામના પાદરે લોકોના ટોળા કાર ચાલકને ઝડપવા ગોઠવાઇ હતી. જેમાં કાર ચાલકે કડીયાણા ગામે તો કાર લોકોના ટોળા પર પણ ચડાવી દીધી હતી. અંતે કડીયાણાથી માથક તરફ જતા માતા અને પુત્રીને માથકથી થોડે થોડે દૂર ઉતારી કાર માથક તરફ મારી મૂકી હતી. જેમાં રાયધ્રા ગામના પાટીયા પાસે કારનું ટાયર ફાટતા કાર ચાલક કાર મૂકીને ખેતરમાં મુઠ્ઠીઓ વાળીને નાસી ગયો હતો. પરંતુ એકઠા થયેલા ગ્રામજનોએ ખેતરનો ઘેરાવ કરીને કાર ચાલક મનીષ બળદેવભાઇ પટેલને ઝડપી લીધો હતો. બાદમાં રોષે ભરાયેલા લોકોએ કાર ચાલક મનીષ બળદેવભાઇ પટેલને જબરો મેથીપાક આપ્યો હતો. બનાવની જાણ થતા હળવદ પોલીસ મથકના પીએસઆઇ એન.બી.ડાભી અને ભરતભાઇ રબારી સહિતનાઓ ઘટનાસ્થળે દોડી પહોંચી હતી. અને માતાના નિવેદનને આધારે પોલીસે ફરિયાદ લેવાની કાર્યવાહી હાથ ધરી હતી.

માતા-પુત્રીને કારમાં લીફટ આપી ઘરેણાંની લૂંટ ચલાવનારને ગઠિયાને ગ્રામજનોએ ઝડપી લઇ મેથીપાક ચખાડ્યો હતો.

કારમાંથી બચાવો-બચાવોની બૂમો સાંભળતા ગ્રામજનોએ પીછો કર્યો

અન્ય સમાચારો પણ છે...