સુ.નગરમાં પ્લાસ્ટીક ઝબલા-પ્યાલી જપ્ત કરવા કાર્યવાહી

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગરઅને વઢવાણ નગરપાલિકા વિસ્તારમાં તા. 15 જૂનથી પ્લાસ્ટીકના 50 માઇક્રોનથી પાતળા ઝબલા અને પ્લાસ્ટીકની ચાની પ્યાલીઓ પર પ્રતીબંધ લગાવાયો છે. તેમ છતાં હજુ અનેક વેપારીઓ સરકારી તંત્રના નિયમોની ઐસી તૈસી કરતા હોવાની રાવ ઉઠી છે. આથી પાલિકા દ્વારા સતત બીજા દિવસે દરોડા કરી શહેરમાંથી 14 કિલો પ્લાસ્ટીકના ઝબલા અને 2 હજાર પ્યાલીઓ જપ્ત કરતા વેપારીઓમાં દોડધામ મચી હતી.

સુરેન્દ્રનગર અને વઢવાણમાં 15 જૂનથી 50 માઇક્રોનથી હલકા પ્લાસ્ટીકના ઝબલા અને પ્લાસ્ટીકની ચાની પ્યાલીઓ વેચવા અને વાપરવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. તેમ છતાં બન્ને શહેરોના વેપારીઓ પાલિકાના નિયમોનું સરેઆમ ઉલ્લંઘન કરીને હલકા પ્લાસ્ટીકના ઝબલા અને ચાની પ્યાલીઓ વેચતા હોવાનું ધ્યાને આવ્યુ હતુ. આથી બુધવારે કરાયેલા દરોડા બાદ ગુરૂવારે પણ પાલિકાની ટીમે શહેરમાં દરોડા કર્યા હતા. જેમાં સુરેન્દ્રનગર પાલિકાના ચીફ ઓફિસર ગિરીશભાઇ સરૈયાની સૂચનાથી સેનેટરી ઇન્સ્પેકટર આર.કે.ઝાલા, મેલેરિયા ઇન્સપેકટર વાય.સી.ઝાલા, શોપ ઇન્સ્પેકટર વી.આર.ચૂડાસમા સહિતનાઓએ મેઇન બજાર, ખીજડીયા હનુમાન ચોક, મહેતા માર્કેટ, સોનાપુર રોડ, જોરાવરનગર શાક માર્કેટ, માતોશ્રી કોમ્પલેક્ષ, કોઝવે રોડ પર ચેકિંગ હાથ ધર્યુ હતુ. જેમાં વિવિધ જથ્થાબંધ અને છૂટક વેપારીઓ પાસેથી 14 કિલો 50 માઇક્રોનથી નીચા ઝબલા અને 2 હજાર ચાની પ્યાલીઓ જપ્ત કરાઇ હતી.

પ્લાસ્ટીકના દૂષણને ડામવા અભિયાન જારી

અન્ય સમાચારો પણ છે...