• Gujarati News
  • ભાજપ સરકાર સામે કોંગ્રેસનો હલ્લાબોલ

ભાજપ સરકાર સામે કોંગ્રેસનો હલ્લાબોલ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કેન્દ્રમાંભાજપની સરકારે એક વર્ષનો કાર્યકાળ પૂર્ણ કર્યો છે. ત્યારે સુરેન્દ્રનગરમાં જિલ્લા કોંગ્રેસની મહિલા આગેવાનો અને કાર્યકરોએ મંગળવારના રોજ રેલી કાઢી હતી. ત્યારબાદ લોકસભાના સાંસદના કાર્યાલયનો ઘેરાવ કરી સાંસદને 14 મુદ્દાનું તહોમતનામુ રૂબરૂમાં આપ્યુ હતુ. જેમાં ભાજપ સરકારે ચૂંટણી અગાઉ આપેલા વચનો પૂર્ણ કરવામાં અસમર્થ રહી હોવાના આક્ષેપ કરાયા હતા.

કેન્દ્રમાં એનડીએ શાસીત ભાજપ સરકારે એક વર્ષનો કાર્યકાળ પૂરો કર્યો છે. ત્યારે ભાજપ સરકાર દ્વારા એક વર્ષમાં કરાયેલ વિકાસના કામોના ઠેરઠેર ગાણા ગવાય છે. જયારે સામે વિરોધપક્ષમાં કોંગ્રેસના આગેવાનો કેન્દ્ર સરકારે ચૂંટણી સમયે આપેલા વચનો અને વાયદા પૂર્ણ કરવામાં અસમર્થ રહી હોવાના આક્ષેપ કરવામાં આવે છે. આવા સમયે સુરેન્દ્રનગર જિલ્લા મહિલા કોંગ્રેસ સમિતિના પ્રમુખ નઝમાબેન સોલંકી, અવનીબેન ઓઝા, પૂર્વ સાંસદ સોમાભાઇ પટેલ, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ભલજીભાઇ સોલંકી સહિતનાઓની આગેવાનીમાં મંગળવારના રોજ જિલ્લા કોંગ્રેસ કાર્યાલયથી જિલ્લા પંચાયત કેમ્પસમાં આવેલ લોકસભાના સાંસદ દેવજીભાઇ ફતેપરાના કાર્યાલય સુધી રેલીનું આયોજન કરાયુ હતુ. રેલીમાં 100થી વધુ મહિલા કાર્યકરો સાથે અનેક કોંગી આગેવાનો જોડાયા હતા.

જિલ્લા પંચાયત કેમ્પસમાં આવેલ સાંસદ દેવજીભાઇ ફતેપરાના કાર્યાલયે ઘેરાવો કરી સૂત્રોચ્ચાર કરાયા હતા. ત્યારબાદ મહિલા કોંગ્રેસના આગેવાનોએ સાંસદને પ્રજાના તહોમતનામા સ્વરૂપે 14 જેટલા મુદ્દાઓની લેખિત રજૂઆત કરી છે. જેમાં જણાવાયા મુજબ રાજય અને દેશની જનતાએ ભાજપ પક્ષે ચૂંટણી સમયે કરેલા વચનો અને વાયદાઓ પર વિશ્વાસ મૂકીને ખોબલે અને ધોબલે મત આપીને સરકાર બેસાડી છે. ત્યારે સત્તામાં આવ્યા બાદ એક વર્ષ થવા છતાં ભાજપ સરકાર આપેલા વચનો પૂર્ણ કરી શકી નથી.

જેમાં 100 દિવસમાં કાળુ નાણુ પરત લાવવા, દરેક ભારતીયના ખાતામાં 15 લાખ જમા કરાવવા, પેટ્રોલ અને ડિઝલના વધતા ભાવ પર અંકુશ મેળવવા, અનાજ, કઠોળ, ગેસ, વિજળી, બસ ભાડામાં ઘટાડો, વૈશ્વિક દૃષ્ટીએ રૂપીયાનો ઘટાડો, ખેડૂત વિરોધી જમીન સંપાદન કાયદો, ચીન અને પાકિસ્તાનને પાઠ ભણાવવા, ખેત પેદાશોના ભાવ તળીયે જેવા મુ્દ્દાઓ પર સાંસદ દેવજીભાઇ ફતેપરાને સવાલો કરાયા હતા. ઉપરાંત સાંસદો દ્વારા દત્તક લીધેલા ગામોના લોકો હજુ પણ વિકાસને ઝંખી રહ્યા છે તેમ જણાવી ભાજપ સરકાર પર આકરા પ્રહારો કરાયા હતા.

ભાજપ સરકારને એક વર્ષ પૂર્ણ થવા છતાં તેમને કરેલા મોટા વાયદાઓમાં નિષ્ફળ રહેતા કોંગી કાર્યકરોએ રેલી કાઢી સાંસદને પ્રજાનું તહોમતનામુ આપ્યુ હતુ. જનતાએ વિશ્વાસ રાખીને આપેલા મતોને ખોટા સાબિત કરી રહ્યા હોવાનો કોંગ્રેસે આક્ષેપ કર્યો છે./ મુકેશપરીખ

ઉગ્ર વિરોધ|કેન્દ્ર સરકાર આપેલા વચનો પૂર્ણ કરી શકતા કોંગી મહિલા કાર્યકરો સહિત આગેવાનોની માર્ચ