• Gujarati News
  • જિલ્લામાં ખાણ ખનીજની ફલાઇંગ સ્કવોડના દરોડા

જિલ્લામાં ખાણ ખનીજની ફલાઇંગ સ્કવોડના દરોડા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સુરેન્દ્રનગરજિલ્લામાંથી પસાર થતી ભોગાવો નદીમાંથી મળી આવતી રેતીની જિલ્લા અને જિલ્લા બહાર ભારે માંગ છે. ત્યારે છેલ્લા થોડા સમયથી રેતીચોરીની ભારે બૂમરાણ ઉઠતા ગાંધીનગરની ફલાઇંગ સ્કવોડ અને સુરેન્દ્રનગર જિલ્લાની ટીમે સંયુકત રીતે સાયલાથી લઇ ચોટીલા હાઇવે અને મૂળી હાઇવે પર ચેકીંગ હાથ ધર્યુ હતુ. જેમાં પાસ પરમીટ અને ઓવરલોડ રેતી અને કપચી લઇ જતા 14 વાહનોને ઝડપી લઇ રૂપિયા 1.40 કરોડનો મુદ્દામાલ જપ્ત કરી નજીકના પોલીસ મથકે સોંપવામાં આવ્યો હતો.

સુરેન્દ્રનગર જિલ્લામાં અખૂટ ખનીજ સંપત્તી ધરબાયેલી છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાંથી પસાર થતી ભોગાવા નદીમાંથી મળી આવતી રેતીની માંગને જોઇને અનેક લોકો ગેરકાયદેસર રીતે રેતીનું ખોદકામ કરે છે. ત્યારે દિવાળી પર્વ નજીક આવતા વધુ પૈસા રળી લેવાની લાલચે અમુક લોકો પાસ પરમીટ વગર અને ઓવરલોડ રેતી અને કપચછ ભરીને લઇ જતા હોવાની બાતમી મળી હતી. આથી સાયલાથી ચોટીલા હાઇવે સુધી અને સુરેન્દ્રનગરથી મૂળી હાઇવે પર ગાંધીનગરની ફલાઇંગ સ્કવોડ અને સુરેન્દ્રનગર જિલ્લા ખાણ ખનીજના અધિકારી એમ.આર.વાળા, આશિષભાઇ પટેલ, પ્રકાશભાઇ દંતાણી, યજ્ઞેશભાઇ પરમાર સહિતનાઓએ સિકયોરીટીની ટીમને સાથે રાખી ચેકિંગ હાથ ધર્યુ હતુ. જેમાં પાસ પરમીટ વગર રેતી અને કપચી લઇ જતા, ઓવરલોડ રેતી અને કપચી ભરીને જતા 14 જેટલા વાહનોને રૂપિયા 1.40 કરોડના મુદ્દામાલ સાથે ઝડપી પડાયા હતા. તમામ વાહનોને ડીટેઇન કરી નજીકના પોલીસ મથકે સોંપવામાં આવ્યા હતા. સુરેન્દ્રનગર જિલ્લામાં દિવાળીના તહેવારો પર ગાંધીનગરથી ફલાઇંગની સ્કવોડ અને જિલ્લા ખાણ ખનીજની ટીમે સંયુકત રીતે ચેકિંગ હાથ ધરતા રેતી અને કપચી ચોરી કરતા તત્વોમાં ફફડાટની લાગણી ફેલાઇ હતી.