શહેરી વિસ્તારોમાં ટ્રાફિક નિયમનાં ભંગ બદલ 1689 લોકો દંડાયા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સુરેન્દ્રનગરશહેરી વિસ્તારોમાં ટ્રાફિકની સમસ્યા દિવસે દિવસે વિકટ બનતી જાય છે. ત્યારે 2017ના જુલાઈ માસમાં નિયમોનું ઉલ્લઘન કરતા 1689 લોકો ઝપટે ચડી ગયા હતાં. કાર્યવાહી દરમિયાન રૂ. 2,91,050 દંડ કરીને 48 વાહનો પણ ટ્રાફિક પોલીસે ડિટેઇન કર્યા હતાં.

શહેરી વિસ્તારના જાહેર માર્ગો પર દબાણોને લીધે માર્ગો પણ સાકંડા બનતા ટ્રાફિક સમસ્યા વકરી છે. ત્યારે ટ્રાફિક નિયમોનું ઉલ્લઘન કરીને દોડતા વાહનચાલકો સામે કાર્યવાહીના આદેશ જિલ્લા પોલીસ વડા દીપકકુમાર મેઘાણીએ કર્યા હતાં. જેના કારણે ટ્રાફિક ઇન્ચાર્જ પી.એસ.આઈ. એમ.જે.જાડેજા સહિતની ટીમે 2017નાં જુલાઈ માસમાં ટ્રાફિક નિયમભંગ બદલ 1568 લોકોને રૂ. 1,79,500 દંડ ફટકાર્યો હતો. જ્યારે 57 વાહનચાલકોનાં વાહનો ડિટેઇન કરીને રૂ. 1,05,850 આર.ટી.ઓ. દંડ વસૂલવામાં આવ્યો હતો.

જ્યારે 57 જેટલા લારીગલ્લાધારકોને રૂ. 5700 તેમજ હોસ્પિટલો, બસ સ્ટેન્ડ, શાળા, કોલેજમાં તમાકુ બીડીઓ ફૂંકીને મોજ કરતા લોકો સામે કેસ કરીને દંડ કરાયો હતો. અને નો-પાર્કિંગ ઝોનમાં પણ વાહનો લઇને ઘૂસનાર પણ વાહનચાલકો ઝપટે ચડી ગયા હતાં. આમ શહેરી વિસ્તારોમાં જુદા જુદા ટ્રાફિકનિયમનોનો ભંગ કરતા 1689 લોકો સામે ટ્રાફિક પોલીસ દ્વારા કાર્યવાહી કરીને રૂ. 2,91,050 દંડ વસૂલ કરવામાં આવ્યો હતો.

સુરેન્દ્રનગરમાં શહેરીજનો માટે પણ માથાના દુ:ખાવા સમાન બની રહેલી ટ્રાફિક સમસ્યા. તસવીર-પ્રવિણસોલંકી

48 વાહનો ડિટેઇન કરીને છેલ્લા એક માસમાં રૂ. 2.91 લાખનો દંડ

અન્ય સમાચારો પણ છે...