• Gujarati News
  • બ્રાહ્મણી નદીમાં રેતી ચોરી રોકવા જનતાની રેડ

બ્રાહ્મણી નદીમાં રેતી ચોરી રોકવા જનતાની રેડ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઝાલાવાડનીનદીઓમાં આવેલો રેતીનો અખૂટ ખજાનો રેતીચોરી માટે સોનાનો ખજાનો બની ગયો છે. અને કેટલાંક સરકારી બાબુઓનાં પૈસાથી મોઢા બંધ કરીને સરકારની તિજોરીને મોટી ખોટ આપવાનો કાળો કારોબાર બે રોકટોક ચાલી રહ્યો છે. પરંતુ હળવદ પંથકમાં હવે ગેરકાયદેસર રેતીની ચોરી કરતા માફિયાઓની હવે ખેર નથી. કારણ કે જનતા હવે જાગી ગઇ છે. અને આથી ટીકર ગામના 150 થી વધુ લોકોએ જનતા રેડ કરી મિયાણી ગામની બ્રાહ્મણી નદીમાંથી રેતી ચોરીનો પર્દાફાશ કર્યો હતો.

હળવદ પંથકમાંથી પસાર થતી બ્રાહ્મણી નદીમાંથી રાત દિવસ ખૂલ્લેઆમ રેતીની ચોરી કરવામાં આવી રહી છે. રેતીની ચોરી અટકાવવા માટે જુદા જુદા ગામના લોકોએ અનેકવાર ખાણ ખનીજ વિભાગ સહિતના સબંધીત વિભાગમાં લેખીત રજૂઆતો કરી છે. છતાં હજુ પણ રેતીની ચોરી થઇ રહી હોવાનું જગજાહેર છે. આવા સમયે ટીકર ગામના સરપંચ ગણેશભાઇ, વિજયભાઇ એરવાડિયા, ધર્મેન્દ્રભાઇ પટેલ, લલીતભાઇ, નવઘણભાઇ, જીતેન્દ્રભાઇ સહિતના 150થી વધુ લોકોએ મિયાણી મોરબી રોડ પર વોચ ગોઠવી હતી. જેમાં રેતીના ડમ્પર ભરીને આવતા એક સાથે લોકોના ટોળાએ ડમ્પરને અટકાવી તપાસ કરી હતી. જેમાં ચાલક પાસેથી રેતીનો પાસ કે પરમીટ હોવાનું ધ્યાને આવ્યુ હતુ. આથી આવી રેતી ભરેલા 3 ડમ્પરો, 51 ટન રેતી તથા 3 આરોપી સાથે કુલ 30 લાખ રૂપિયાનો મુદ્દામાલ જનતા રેડમાં પકડાયો હતો. ટીકરના લોકોએ સમગ્ર ઘટના અંગે પોલીસને જાણ કરી હતી. આથી હળવદ પોલીસ ટીમ પણ ઘટનાસ્થળે દોડી પહોંચી હતી. અને તમામ મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

અંગે ખાણખનીજ વિભાગ મોરબીના માઇન્સ સુપરવાઇઝર સંજયભાઈ લાખોતરાએ જણાવ્યું હતું કે, હળવદમાં ખનીજ ચોરી ડામવા અમારા ખાણખનીજ ખાતા દ્વારા અવારનવાર ખનીજ ચોરી કરતા શખ્સોને પકડી પોલીસ ફરિયાદ કરી કાયદેસરની કાર્યવાહી કરીએ છીએ. શનિવારે ટીકરમાં જે જનતાએ રેડ પાડી તે સવાર સવારમાં અમારા ધ્યાને આવતા ત્યાં ઘટના બની હતી. અમારી ટીમ દ્વારા સતત મોનેટરીંગ ચાલુ છે.

મિયાણી પાસે બ્રાહ્મણી નદીમાંથી રેતીચોરી બેફામ વધચા તેને રોકવા માટે લોકોએ જનતા રેડ કરીને 3 ડમ્પરોને ઝડપી પોલીસના હવાલે કર્યા હતા./કિશોર પરમાર