Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
પીયાવા ગામમાં સીમ જમીનના ખોટા દસ્તાવેજ કરી ભાગબટાઈ કરાતા 7 શખ્સો સામે ઠગાઈની ફરિયાદ
ચોટીલાતાલુકાના પીયાવા ગામની સીમ જમીન કુલ 8 એકર 12 ગુંઠા માટે ખોટો માણસ ઉભો કરીને ફરીથી દસ્તાવેજો બનાવી નાંખતા ચકચાર ફેલાઇ હતી. જમીનનાં દસ્તાવેજનો ખરા તરીકે ઉપયોગ કરી જમીન પોતાના નામે ચડાવી દેતા સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો.
ચોટીલા તાલુકાના પીયાવા ગામમાં રહેતા બેચરભાઈ રૂપભાઈ આલે ગામની સીમ જમીન સર્વે નં. 194 પૈકી કુલ 8 એકર 12 ગુંઠા જમીન સાર્દુલભાઈ અમરાભાઈ પટગીર પાસેથી વેચાણથી રાખી હતી. પૈકી 4 એકર 6 ગુંઠા જમીનનો દસ્તાવેજ બેચરભાઈ આલના નામે રજીસ્ટ્રર નં. 90 થી થયો હતો. જ્યારે અન્ય 4 એકર 6 ગુંઠા જમીન રૂપાભાઈ જીવાભાઈના નામે રજીસ્ટર દસ્તાવેજ નં. 91 થી તા. 15-2-1982ના રોજ મૂળી સબ રજીસ્ટ્રારની કચેરીમાં સાર્દુલભાઇ અમરશીભાઈ પટગીરે કરી આપ્યો હતો.
જમીનનો કેટલાક શખ્સોએ ખોટા દસ્તાવેજ બનાવી પોતાના ખાતે ચડાવી દીધી હતી. જમીનનું વિભાજન કરી ભાગ પાડી દઇ મિલકતનો દૂરઉપયોગ કરાયાનું ધ્યાને આવ્યુ હતું. બનાવ અંગે ચોટીલા પોલીસ મથકે બેચરભાઈ રૂપાભાઈ આલે પીયાવા ગામના 7 શખ્સો સામે ઠગાઇ-વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાવતા PSI ચલાવી રહ્યાં છે.
જમીનની માપણી કરતા ખબર પડી : બેચરભાઈ
પીયાવાગામની સીમમાં આવેલ ખેતરો તેમજ જમીનની સરકારી તંત્ર દ્વારા અંદાજે બે થી ત્રણ વર્ષ પહેલા માપણી કરવામાં આવી હતી. જેમાં જમીન અમારા નામે નીકળતા ખબર પડી કે જમીનના દસ્તાવેજ તો કોઇ અન્ય વ્યક્તિના નામે છે.
જમીન વેચાણ કરનારના મોત બાદ શખ્સોએ કૌભાંડ કર્યુ
પીયાવા ગામના સાર્દુલભાઈ પટગીર પાસેથી 8 એકર 12 ગુંઠા જમીન વેચાણથી બેચરભાઈએ લીધી હતી. ત્યારે 14-8-1985ના રોજ સાર્દુલભાઈ પટગીરનું મોત થયુ હતું. ત્યારબાદ શખ્સોએ ભેગા મળી બેચરભાઈની જમીનનો બીજો બનાવટી માણસ ઉભો કરી ખોટી ઓળખ આપી જમીનનો ફરીથી દસ્તાવેજ બનાવી તેનો ખરા તરીકે ઉપયોગ કરી વસાભાઈ ગોબરભાઈ જોગરાજીયાએ જમીન પોતાના ખાતે ચડાવી દીધી હોવાનું પોલીસ ફરિયાદમાં ધ્યાને આવ્યુ હતું.
ઠગાઇસાથે વિશ્વાસઘાતની કોની સામે ફરિયાદ થઇ
ચોટીલાતાલુકાના પીયાવા ગામના વસાભાઈ જોગરાજીયા, નાથાભાઈ જોગરાજીયા, વસરામભાઈ જોગરાજીયા, રાહુલભાઈ જોગરાજીયા, અશોકભાઈ જોગરાજીયા, જયસીંગભાઈ સામતભાઈ તેમજ મૂળ પીયાવા ગામના અને હાલ ચોટીલા ખુશીનગર-3માં રહેતા પ્રદીપભાઈ જીવાભાઈ ખાચર સામે જમીન મામલે ઠગાઇ સાથે વિશ્વાસઘાતની પોલીસ ફરિયાદ થઇ હતી.
8 એકર 12 ગુંઠા માટે ખોટો માણસ ઉભો કરીને ફરીથી દસ્તાવેજો બનાવી નાંખતા ચકચાર ફેલાઈ