ભાસ્કર ન્યુઝ | રાજુલા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યુઝ | રાજુલા

15 વર્ષથી નાનકડા ઉચૈયા ગામના લોકો હેરાન પરેશાન થાય છે. ચોમાસુ આવે અને અન્ડર બ્રિજમાં પાણી ભરાય એટલે ગામનો માર્ગ બંધ થાય. 108 પણ ગામમાં ન આવે, દર્દીઓ મરણ પથારી પર હોય તો પણ નહી, કંટાળેલા ગામ લોકોએ આજે આ મુદ્દે પ્રાંત કચેરીનો ઘેરાવ કર્યો હતો અને પ્રશ્ન ન ઉકેલાય તો રેલ રોકો આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.

રાજુલા તાલુકાનું ઉચૈયા ગામ એટલે છેવાડાનું 1200ની વસ્તી ધરાવતું નાનકડું ગામ, અહીં લોકોની અનેક સમસ્યાઓ છે પરંતુ વ્હલા દવલાની નીતિ અપનાવતા હોય તેમ તંત્રના અધિકારી કે રાજકીય અગ્રણીઓ ધ્યાન આપતા નથી. અહીં ચોમાસાંમાં પીપાવાવ રેલવે કોર્પરેશનના અન્ડર બ્રિજમાં પાણી આવી જવાના કારણે આ ગામ સંપર્ક વિહોણું બની જાય છે. ગામનો સંપર્ક તૂટી પડે છે અને 2 દિવસે પાણી ઉતર્યા બાદ ગામનો સંપર્ક થાય છે. બીજી તરફ અહીંના દર્દીઓ ઇમર્જન્સીમાં હોય ત્યારે પણ 108 એબ્યુલન્સ જેવા વાહનો પણ અહીં આવી શકતા નથી.

જિલ્લા કલેક્ટર, સાંસદ, ધારાસભ્ય, પ્રાંત અધિકારી, ભાવનગર રેલવે ડીવીજન સહીતના લોકોને લેખિત મૌખિત રજૂઆતો કરી છે અનેક વખત આવેદનપત્રો પણ આપી ચુક્યા છે. છતાં કોઈ ધ્યાન આપતું નથી. ત્યારે આજે ગ્રામજનો દ્વારા પ્રાંત કચેરીનો ઘેરાવ કરી પ્રાંત અધિકારી ડાભીને આવેદન પત્ર આપી આગામી દિવસોમાં આ પ્રશ્નન કોઈ ગંભીરતાથી નહીં લે તો ઉચૈયા, ભચાદર, ધારાના નેસ આસપાસના ગામ લોકો અહીંથી નીકળતી ટ્રેનો થંભાવી દેશે તેવી ચીમકી ઉચ્ચારાઇ હતી. ગામના સરપંચ પ્રતાપભાઈ બેપારીયાની આગેવાનીમાં આજે આવેદન પત્ર અપાયું હતું.

અન્ય સમાચારો પણ છે...