તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વેધર રીપોર્ટર | અમરેલી,રાજુલા, સાવરકુંડલા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વેધર રીપોર્ટર | અમરેલી,રાજુલા, સાવરકુંડલા

સાવરકુંડલા અને રાજુલા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમા આજે બપોરબાદ અડધાથી લઇ બે ઇંચ સુધીનો વરસાદ ખાબકી જતા ધરતીપુત્રો ખુશખુશાલ બન્યાં હતા. ધોધમાર વરસાદને પગલે વાડી ખેતરો અને નદીઓમા ઘોડાપુર આવ્યા હતા. જયારે અમરેલી શહેરમા સવારે ઝાપટા વરસ્યા હતા.

આજે બપોરબાદ સાવરકુંડલા પંથકના ઝડકલા, વીજપડી, હાડીડા, દાધીયા, ભમોદરા વિસ્તારોમા અડધાથી લઇ બે ઇંચ જેટલો વરસાદ પડી ગયો હતો. જેને પગલે વાડી ખેતરોમા પાણી પાણીની સ્થિતિ જોવા મળી હતી. પવન અને વિજળીના કડાકા ભડાકા સાથે પડેલા ધોધમાર વરસાદથી ખેડૂતોના હૈયે ટાઢક વળી હતી. અનરાધાર વરસાદને પગલે દાધીયા ગામે ઘાણો નદીમાં પૂર આવતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. અહી વાવણી લાયક વરસાદ પડી જતા ખેડૂતો ખુશખુશાલ બન્યાં હતા.

તો રાજુલા પંથકમાં પણ બપોરબાદ મેઘરાજાનો પ્રથમ રાઉન્ડ શરૂ થયો હતો. રાજુલામા ધોધમાર પોણો ઇંચ વરસાદ પડી જતા અનેક નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા હતા. બીજી તરફ આ પ્રકારના વરસાદથી શહેરીજનો ખુશાલ જોવા મળ્યાં હતા. અને ડુંગર, બર્બટાણા, મોરંગી, માંડલ સહીતના વિસ્તારમાં વરસાદના કારણે ઠેરઠેર નદી નાળાઓ છલકાઇ ગયા હતા. મોરંગી માંડલમાં ચાર ઇંચ જેટલો વરસાદ ખાબકી જતા સ્થાનિક નદીમાં ઘોડાપુર આવ્યું હતુ. અહી ગામ લોકો પુર જોવા ઉમટી પડયા હતા. કેટલાક ખેતરોમાં પાણી ભરાયા હતા. રાજુલાથી ડુંગર આસરાણા સુધીના ગામોમાં પણ વાવણી લાયક વરસાદ પડી ગયો હતો. બીજી તરફ જાફરાબાદ તાલુકો પીપાવાવ સહીતના વિસ્તાર કોરા ધાકોડ હોવાનું જાણવા મળી રહ્યું છે.

જયારે અમરેલી શહેરમા સવારે આકાશમા કાળા ડિબાંગ વાદળો ચડી આવ્યા હતા. જો કે અહી માત્ર હળવા ઝાપટા પડતા માર્ગો પર પાણી વહી ગયા હતા. અન્યત્ર કયાંય પણ વરસાદના વાવડ સાંપડયા ન હતા.

અન્ય સમાચારો પણ છે...