• Gujarati News
  • રાજુલાના મોટા આગરીયામાં ખેતમજુર પર મધમાખીનો હુમલો

રાજુલાના મોટા આગરીયામાં ખેતમજુર પર મધમાખીનો હુમલો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમરેલીજિલ્લામાં ઝેરી મધમાખીનું પ્રમાણ વધી રહ્યું હોય તેમ ઝેરી મધમાખીઓ દ્વારા અવારનવાર માણસ પરના હુમલાની ઘટનાઓ વધી રહી છે. ત્યારે આવી એક ઘટના રાજુલા તાલુકાના મોટા આગરીયા ગામે બની હતી. અહી સવારે ખેતમજુરો પર અચાનક ઝેરી મધમાખીઓનું ઝુંડ તુટી પડયુ હતુ અને ડંખ મારી ઘાયલ કરી દેતા તમામને સારવાર માટે રાજુલા દવાખાને ખસેડવામા આવ્યા હતા.

ખેતમજુરો પર ઝેરી મધમાખીના હુમલાની ઘટના રાજુલા તાલુકાના મોટા આગરીયા ગામે બની હતી. અહી વહેલી સવારે દુધાભાઇ ભાણાભાઇ (ઉ.વ.55) અરજણભાઇ ભીખાભાઇ (ઉ.વ.60) કનાભાઇ ખીમાભાઇ (ઉ.વ.55) પ્રદિપભાઇ દેવશીભાઇ (ઉ.વ.19) પ્રેમજીભાઇ કેશવભાઇ (ઉ.વ.48) સહિત ખેડૂતો રાહતકામે જતા હતા તે દરમિયાન અચાનક ઝેરી મધમાખીઓનું ઝુંડ ઉડી આવ્યું હતુ અને ડંખ મારી હુમલો કરી ઘાયલ કરી દીધા હતા.

તમામ ઘાયલ ખેડૂતોને સારવાર માટે રાજુલા દવાખાને ખસેડવામા આવ્યા હતા. ઘટનાની જાણ થતા ગામના આગેવાન હાથીભાઇ ખુમાણ સહિત આગેવાનો દવાખાને દોડી ગયા હતા. તમામ ઘાયલોને સારવાર આપી તબીયત સ્વસ્થ જણાતા રજા આપી દેવામા આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા બગસરામાં શાળાના પટાંગણમાં રમી રહેલા વિદ્યાર્થીઓ પર મધમાખીનુ ઝુંડ તુટી પડયુ હતુ અને ડંખ મારી ઘાયલ કરી દીધા હતા. અમરેલી જિલ્લામાં ઝેરી મધમાખીઓનુ પ્રમાણ વધી રહ્યું હોય તેમ જોવા મળી રહ્યું છે.