તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પાલિતાણામાં સર્વત્ર ગંદકી વચ્ચે રોગચાળાની દહેશત

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાલિતાણા બ્યુરો | 6 સપ્ટેમ્બર

છેલ્લા10થી 15 દિવસથી પાલિતાણામાં રોગચાળાનુ પ્રમાણ વધતુ જાય છે. સરકારી અને ખાનગી દવાખાનાઓ દર્દીઓથી ઉભરાઇ રહ્યા છે. શહેરમાં ડેન્ગ્યુ તાવના મચ્છરો પોતાનો વ્યાપ વધારી રહ્યા હોય તેવુ લાગે છે. શહેરમાં મેલેરીયા, ઝાડા ઉલટી, શરદી, ઉધરસ, વગેરેના દર્દીઓ વધી રહ્યા છે. શંકાસ્પદ સ્વાઇન ફલુના કારણે પાલિતાણા તાલુકામાં બે વ્યક્તિના મોત થયેલ છે. શહેરમાં માખી, મચ્છરોનો ત્રાસ વધ્યો છે. છતાં પાલિતાણા નગરપાલિકા કુંભકર્ણની નિંદ્રામાં જાગીને નાગરીકોના આરોગ્યને નુકસાન થાય તે માટે સફાઇ અભિયાન હાથ ધરવાનુ નામ લેતુ નથી.

પાલિતાણા શહેરમાં પ્રમુખ અને ટીપી કમીટીના ચેરમેનના વોર્ડ એવા સર્વોદય સોસાયટીમાં છેલ્લા પાંચ દિવસથી ગટરના ગંદા પાણી જાહેર રોડ ઉપર ફરી વળ્યા છે. રાહદારીઓ અને વાહનચાલકોને ગંધારા અને દુર્ગંધ મારતા પાણીમાંથી પસાર થવુ પડે છે. તળેટી વિસ્તારમાં પણ ગટરના ગંદા પાણી રોડ પર ફરી વળ્યા છે. શહેરના અનેક વિસ્તારોમાં ગટરો ઉભરાઇને તેના પાણી જાહેર રોડ ઉપર આવેલ છે. શહેરમાં ઠેર ઠેર ગોબરી ગંધારી ગટરોના પાણીના ગંજ ખડકાઇ ગયા છે. શહેરની મધ્યમાં આવેલ ખારો નદીમાં પણ ગટરનુ ગંદુ પાણી ઠલવાઇ રહ્યુ છે. ગંદકીના ગંજ અને ગટરોના ગંદા પાણી ડેન્ગ્યુના મચ્છરો માટે ઇંડા મુકવાનુ ઉત્તમ સ્થળ બની રહે છે.

શહેરમાં ડ્રેનેજ લાઇનો ઠેર ઠેર ઉભરાઇ રહી છે. ડ્રેનેજ પમ્પીંગ સ્ટેશનોની મોટરો બંધ હાલતમાં હોવાનુ જાણવા મળે છે. ગટર પાણી ઉભરાવા અંગેની વ્યાપક ફરીયાદો પાલીકામાં આવી રહી છે. ઘણી જગ્યાએ પીવાના પાણીની લાઇન અને ડ્રેનેજ લાઇન ભેગી થઇ જતા નળ વાટે ગટરનુ ગંધાતુ પાણી આવી રહયુ છે. વૃંદાવન સોસાયટી, ધોબા મંડળ, પોસ્ટ ઓફીસ પાસેનો વિસ્તાર, રજવાડી, સર્વોદય સોસાયટી, તળેટી વિસ્તાર સહિત અનેક વિસ્તારોના લોકો ગટરના ઉભરાતા પાણીથી ત્રાહિમામ પોકારી ઉઠયા છે. છતાં નગરપાલિકાના ચુંટાયેલા નગરસેવકો પ્રશ્ને ચુપકીદી સેવી રહ્યા છે.

શહેરના રોડ રસ્તાઓની સમસ્યાઓથી જનતા પીડાઇ રહી છે. તો બીજી તરફ પાલિતાણાના રહેવાસીઓ તેમજ યાત્રીકોના આરોગ્ય સાથે ચેડા થાય તેવા ગંદકીના ગંજ, ગટરના ઉભરાતા પાણી જોઇને પ્રજાજનો તોબા પોકારી ઉઠયા છે.

પાલિતાણા નગરપાલિકાના વિરોધ પક્ષના નેતા ઓમદેવસિંહ સરવૈયા તેમજ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ ડાયાભાઇ ચોસલાએ એક સંયુકત નિવેદનમાં જણાવેલ છે કે શહેરમાં ઠેર ઠેર ઉભરાતા ગટરના પાણીનો પ્રશ્ન તંત્રવાહકો દ્વારા તાત્કાલિક હલ કરવામાં નહિ આવે તો કોંગ્રેસ પક્ષ દ્વારા ભૈરવનાથ ચોકમાં ઉપવાસ આંદોલન શરૂ કરવામાં આવશે.

ડ્રેનેજ પમ્પીંગ સ્ટેશનોનુ આધુનિકરણ કરાશે

^શહેરનારાજવાડી, ધોબા મંડળ, પરિમલ સોસાયટી, સિંધી કેમ્પ, તેમજ અન્ય વિસ્તારોમાં ડ્રેનેજ અને પાણીની લાઇનોનો ભેગા થઇ જવાના કારણે ડ્રેનેજ ઉભરાઇ રહી છે. ડ્રેનેજ પમ્પીંગ સ્ટેશનોની મોટરો હાલ 15 એચપીની છે તેના બદલે ટુંકસમયમાં 25 એચપીની મોટરો મુકી ડ્રેનેજ પમ્પીંગ સ્ટેશનોનુ આધુનિકરણ કરવામાં આવનાર છે જેથી ડ્રેનેજના ઉભરાતા પાણીનો પ્રશ્ન હલ થઇ જશે. >હર્ષાબેનપંડીત, પ્રમુખનગર પાલિકા પાલિતાણા

માર્ગો પર ગટરના પાણી, ઠેર-ઠેર કચરાના ઢગલા છતાં તંત્ર સફાઇ કરાવવામાં નિષ્ક્રિય

નિંભર તંત્ર | તાજેતરમાં સ્વાઇનફલુથી બે વ્યક્તિના મોત નિપજેલ છતાં તંત્ર લોકોના આરોગ્ય માટે બેદરકાર

અન્ય સમાચારો પણ છે...