તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વેસ્ટ ઇન્ડિઝની ટીમ ક્યારેક ક્રિકેટની સત્તા હતી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ન્દુસ્તાન આપણો જબ્બર દેશ છે. તેને 22 રાજ્યો છે જ્યારે વેસ્ટ ઈન્ડિઝ એક ટચુકડો દેશ છે તે પણ બાવીશ ટચુકડાં રાજ્યોનો બનેલો છે પણ એ ટચુકડાં રાજ્યોમાં તમારું માથું ફાડી નાખે તેવા ક્રિકેટરો ભૂતકાળમાં પાકયા છે. તેના છોરુઓ આજે ભારતમાં અને સૌથી પહેલાં સૌરાષ્ટ્રમાં રાજકોટ ખાતે ક્રિકેટ રમશે. જો તમને વેસ્ટ ઈન્ડિઝના અમુક ક્રિકેટરોનાં નામ આપું તો લાગે કે- આ લે લે... આ તો આપણા જ મલકનાં છોરું છે. તેમનાં નામો વાંચો એટલે ખાતરી થશે.

પહેલું નામ યાદ આવે છે તે અરવિંદ કાલીચરણ છે. તે ખરેખર અરવિંદ કાલીચરણ હતો. 1972માં તે જબરો ફટકાબાજ અને બોલર હતો. કદી પણ સેન્ચુરી માર્યા વગર ન રહે. તેની પહેલાં વેસ્ટ ઈન્ડિઝમાં મજૂર તરીકે જઈને ક્રિકેટર બનેલા (1960) ચરણસિંઘ હતા. તેની સાથોસાથ 1957થી 1971 સુધી છવાઈ રહેલો રોહન કન્હાઈ હતો. તમે જેનું નામ આજે જાણો છો તે શિવનારાયણ ચંદ્રપોલ છે. તે મૂળ ભારતના મા-બાપનો પુત્ર હતો પણ મા-બાપ વેસ્ટ ઈન્ડિઝ ગયેલાં એટલે ત્યાં જ તેનો જન્મ અને ઉછેર થયો. વેસ્ટ ઈન્ડિઝના ક્રિકેટરો જે જૂના થઈ ગયા તેમાંથી ઘણાં નામ આપી શકું છું. રવિ રામપાલ હજી રમે છે. તેનો જોડીદાર સુનીલ નારાયણ છે.

વેસ્ટ ઈન્ડિઝનો ફટકાબાજ બેટ્સમેન બ્રાયાન લારા બેટિંગ કરવા આવે ત્યારે તેને અમે ચાંદલો કરી વધાવતા. મહુવાની માલણ નદીમાં ત્યારે ભરપૂર પાણી વહેતું. નદી કિનારે કાદવ થતો. તે કાદવનું અમે શંકરની મૂર્તિનું લિંગ બનાવતા અને બ્રાયાન લારાની સદી માટે પ્રાર્થના કરતા. જ્યારે જ્યારે વેસ્ટ ઈન્ડિઝના બેટ્સમેન છક્કા મારે અને સ્ટેડિયમ બહાર બોલ જાય તે બોલ પછી પ્રેક્ષકો સંતાડી દે અને તે બોલ ઊંચા ભાવે પછી વેચાય. વિવ રિચાર્ડઝ કાળો અને ઊંચો હતો. તે ફટકાબાજ અને બોલર હતો. 1991માં તે નિવૃત્ત થયો ત્યારે બ્રાયન લારાએ તેનું સ્થાન લીધેલું. 1979નો વર્લ્ડ કપ વેસ્ટ ઈન્ડિઝે જીતેલો. પરંતુ જો તમારે છક્કાનો રિયલ વરસાદ જાણવો હોય તો વેસ્ટ ઈન્ડિઝના બેટ્સમેન કાર્લોસ બ્રેથવેઈટે જીતવા માટે છેલ્લી ઓવરમાં 24 રનની જરૂર હતી તો તેણે છેલ્લી ઓવરમાં ચાર છક્કા માર્યા હતા તે ક્રિકેટ યાદગાર છે.વેસ્ટ ઈન્ડિઝ નામ કેમ પડ્યું? ક્રિસ્ટોફર કોલંબસ વર્લ્ડ ટ્રાવેલર હતો. 1942ની સાલમાં જ્યારે વેસ્ટ ઈન્ડિઝના એક ટાપુ (ટ્રિનિદાદ)માં તે ઉતર્યો ત્યારે તેને લાગ્યું કે તે હિન્દુસ્તાન આવી ગયો છે. પણ હિન્દુસ્તાન તો પૂર્વ દિશામાં હતું એટલે ક્રિસ્ટોફરે તે દેશનું નામ વેસ્ટ ઈન્ડિયા અગર વેસ્ટ ઈન્ડિઝ પાડી દીધું!

આપણે ક્રિકેટ તરફથી પાછા વળીને વેસ્ટ ઈન્ડિઝમાં ભારતીય વસતિ અને ત્યાંનાં મંદિરો વિશે વાત કરીએ. 1995માં વેસ્ટ ઈન્ડિઝમાં કુલ વસતિમાં 25 ટકા મૂળ હિન્દુસ્તાની નાગરિક હતા. આજે પણ મૂળ ભારતનાં મા-બાપનાં પૌત્રો- પોર્ટોરિકો, જમૈકા, બાર્બાડોસ, કેયમેન આઈલેન્ડ અને બહામામાં રહે છે અને ત્યાં ભારતીય મંદિરો પણ છે. અહીં નવરાત્રિ કે દિવાળીમાં નવ દિવસ રાત્રે 4 વાગ્યા સુધી લોકો જાગશે. સ્ત્રીઓ રાસડાં લેશે.

2011ની વસતિગણતરી પ્રમાણે એંગ્વીલામાં માત્ર 58 હિન્દુઓ હતા પણ તેનો પ્રભાવ ભારે હતો. બહામા ટાપુમાં આજે 2000 ભારતીય વંશના લોકો રહે છે. વેસ્ટ ઈન્ડિઝમાં જે જે હિન્દુઓ મજૂરી કરીને કમાવા જતા તેને કાયમી રીતે ત્યાં રહેવા મળે તેનો ગેરલાભ ક્રિશ્ચિયન પાદરી લેતા. 20મી સદીના મધ્ય સુધીમાં જમૈકામાં 25,000 હિન્દુઓ હતા અને મંદિરો હતાં. તેને આર્થિક પ્રલોભન આપીને ખ્રિસ્તી બનાવી દેવાયા. સેન્ટ લુસિયા નામના ટાપુમાં હિન્દુઓની ગરીબાઈનો લાભ લઈ તેમને ખ્રિસ્તી બનાવી દેવાયા. આમ છતાં વેસ્ટ ઈન્ડિઝના ટ્રિનિદાદ અને ટોબેગોમાં સૌથી વધુ વસતિ હિન્દુઓની છે અને ત્યાં નવરાત્રિની ધમાલ જોવા જેવી હોય છે. આજની તારીખે ટ્રિનદાદ અને ટોબેગોમાં 2,40,100 હિન્દુઓ છે જે મોટામાં મોટો આંકડો છે અને તે ટાપુમાં હિન્દુત્વ એક મહત્વનો ધર્મ છે.

ગિયાના માં બ્રિટિશરોને મજૂરોની બહુ જરૂર હતી એટલે ત્યાં 28.4 ટકા વસતિ મૂળ હિન્દુસ્તાનીઓની થઈ હતી. અને ત્યાં સૌથી વધુ દેવીઓનાં મંદિરો હતાં. એ વાતનું ગૌરવ તમને હોવું જોઈએ કે વેસ્ટ ઈન્ડિઝના મોનસેરાટ નામના ટાપુમાં ખ્રિસ્તીઓએ ઘણી લાલચ આપી પણ 31 હિન્દુઓએ ખ્રિસ્તી ધર્મમાં પરિવર્તન ન ર્ક્યુ. વેસ્ટ ઈન્ડિઝમાં જ્યાં સુધી અંગ્રેજોનો પ્રભાવ હતો ત્યાં સુધી ક્રિકેટના કેપ્ટન ગોરા થતા. પછી 1960થી વેસ્ટ ઈન્ડિઝનો કાળો ફ્રેન્ક વોરેલ કેપ્ટન થયો ત્યાર પછી વેસ્ટ ઈન્ડિઝ વર્લ્ડ કપ જીત્યું! વેસ્ટ ઈન્ડિઝના કાળા રંગના બેટ્સમેન વેસ્ટ ઈન્ડિઝનું નામ રાખવા યુદ્ધને ધોરણે મરણતોલ થાય ત્યાં સુધી બોલિંગ-બેટિંગ કરતા. અંગ્રેજોનો પ્રભાવ હતો ત્યારે તેની ટીમમાં ગરજના માર્યા કાળા લોકોને ક્રિકેટર તરીકે રાખતા પણ શરમજનક છે કે તેને લંચ વખતે જુદા રસોડામાં જમાડતા. 1975માં વર્લ્ડ કપ ક્રિકેટ શરૂ થયો તે શરૂઆતમાં જ વેસ્ટ ઈન્ડિઝ વર્લ્ડ કપ જીતી ગયું ત્યારે જખ મારીને વેસ્ટ ઈન્ડિઝના ખેલાડીને માનપૂર્વક યુરોપિયનો જોવા લાગ્યા.

છેલ્લે લખી દેવા દો કે વેસ્ટ ઈન્ડિઝની યુનિવર્સિટીનો લોગો પેલીકન પક્ષીનો છે. અને યુનિવર્સિટીએ લખ્યું છે કે દુનિયામાં બધે પૂર્વમાં સૂર્ય ઊગે છે પણ અમારા દેશમાં પશ્ચિમમાં બળવાન લોકો ઊગે છે. છેલ્લે એક વાત યાદ રહે છે વેસ્ટ ઈન્ડિઝની ટીમ ક્રિકેટ રમતી ત્યારે યુદ્ધને ધોરણે રમતી અને વે. ઈ. જીતે ત્યારે ત્યાંની સ્કૂલોમાં રજા પડતી.

હિ
કાન્તિ ભટ્ટ

અન્ય સમાચારો પણ છે...