• Gujarati News
  • લીંબડી આવતા પહેલાં મને બે વાર પરણાવાઇ

લીંબડી આવતા પહેલાં મને બે વાર પરણાવાઇ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લીંબડીનાયુવાન સાથે 1 લાખમાં પરપ્રાંતમાંથી યુવતી લાવી છેતરપિંડી કરનાર ઠગ ટોળકીને લીંબડી પોલીસે ઝડપી લીધી હતી. લીંબડી પોલીસ સમક્ષ ઠગ ટોળકીના મુખ્ય સૂત્રધારે ત્રીજી વખત લગ્ન કરાવ્યાનુ કબૂલ્યુ હતુ. જયારે તેની પાસે વધુ 8 યુવતીઓને શિકાર બનાવી ફેરવતો હોવાની ચોંકાવનારી વિગતો બહાર આવી છે. લીંબડી પોલીસે યુવતીને પરત લેવા આવેલા 3 શખ્સોને વોચ ગોઠવી ઝડપી લીધા હતા.

લીંબડીના શ્રમજીવી યુવાન સાથે છેતરપિંડી કરી પરણાવેલી કલકત્તા વિસ્તારની પૂજા ભાંગ્યુ તૂટ્યુ ગુજરાતી બોલી જાણે છે. તેણે પોલીસ સમક્ષ જણાવ્યુ કે, કરજણના મીંયા ગામે રહેતો કરણસિંહ ગણપતસિંહ કામના દલાલીનું કામ કરે છે. તેણે બંગાળ વિસ્તારમાં આવી સામાન્ય પરિવારની ગરીબ યુવતીઓને લઇ ગુજરાતમાં આવે છે. અને લગ્ન વાંચ્છુક યુવાનને વેચી મારે છે. અને તે પૈકી સામાન્ય રકમ અમારા પરિવારજનોને મળે છે. લગ્નના થોડા દિવસો બાદ અમને પરત લઇ જઇ બીજા સ્થળે પરણાવી દેવાય છે. લીંબડીમાં મને પરણાવતા પહેલા તેને મને બે જગ્યાએ પરણાવી છે. અને હજુ મારા કેટલા સોદા થશે તેમને ખુદને ખબર હોવાનું રડતી આંખે જણાવ્યુ હતુ. તેણે મારા જેવી વધુ 8 યુવતીઓને ગુજરાતમાં ફેરવાઇ રહી હોવાનું જણાવતા ખુદ પોલીસ ચોંકી ઉઠી હતી. લીંબડી પોલીસે ડીવાય.એસ.પી. જી.જી.જસાણીના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ બી.વી.ઝાલા, બી.ડી.ગોહિલ, જોરૂભા, નંદલાલભાઇએ લીંબડી હાઇવે પર શિયાણી સર્કલ પાસે વોચ ગોઠવી યુવતીને પરત લેવા આવેલા ત્રણે શખ્સોને ઝડપી પાડ્યા હતા. પકડાયેલા શખ્સોએ જણાવ્યુ કે, અમને મીંયા ગામે રહેતા કરણસિંહે પૂજા નામની પરપ્રાંતીય કન્યાને ગમે તેમ કરી પરત લઇ આવવા જણાવ્યુ હતુ. પરપ્રાંતમાંથી સસ્તા ભાવે યુવતી પરણાવાના તથા થોડા દિવસો બાદ તે યુવતીને ફરી પરત લઇ જવાના બનાવો વધી રહ્યા છે. લીંબડી પોલીસે નરેન્દ્ર ડાભીના નિવેદનને આધારે મુખ્ય સૂત્રધાર કરણસિંહ ગણપતસિંહને ઝડપવા ચક્રો ગતિમાન કર્યા છે.

લીંબડી પોલીસે ઝડપી પાડેલ ઠગ ટોળકી.